રેખા પટેલ-ડેલાવર
તો સુધારો કરવા હજુ સમય છે
- Advertisement -
હોર્મોનલ ફેરફારોને કારણે ઊંઘમાં ખલેલ, ચીડિયાપણું, હોટ ફ્લેસ અને હાડકાંની નબળાઈ જેવી સમસ્યાઓ ઊભી થાય છે, જેનાથી સેક્સ પ્રત્યેની ઇચ્છા લગભગ નહીવત બની જાય છે
લગ્ન એક એવો સંબંધ છે જે સમય સાથે અનેક પડકારો અને પરીક્ષાઓમાંથી પસાર થાય છે. યુવાનીના ઉલ્લાસભર્યા દિવસોમાં જીવનસાથી વચ્ચેનો સંબંધ ઊર્જા, સપનાં અને અપેક્ષાઓથી ભરેલો હોય છે. પરંતુ જેમ ઉંમર વધે તેમ જીવનની પ્રાથમિકતાઓ જરૂરિયાતો બદલાય છે, એ પ્રમાણે માંગ પણ બદલાય છે. શરીર-મન નવા અનુભવોથી પસાર થાય છે અને દાંપત્યજીવન નવી દિશામાં આગળ વધે છે. ખાસ કરીને લગ્નજીવનના ઉત્તરાર્ધમાં, એટલે કે પચાસ વર્ષ પછી, પતિ-પત્ની માટેનો સંબંધ નવી પરિસ્થિતિઓ અને બદલાવોથી ઘેરાયેલો હોય છે. “યુવાની સાચવી લેવાની હોય છે તે કરતા આ ઉંમરમાં લગ્નજીવન વધુ સાચવણી અને સમજણ માંગે છે.
ઉત્તરાર્ધ જીવનનો તબક્કો જેમાં મોટાભાગના દંપતિઓ પચાસથી સાઠ વર્ષની વય વચ્ચે હોય છે. સંતાનો મોટા થઈને સ્વતંત્ર બનતા જાય છે, પતિ-પત્ની બંને પોતાના કારકિર્દીના અંતિમ વર્ષોમાં પ્રવેશી રહ્યા હોય છે અને શારીરિક-માનસિક રીતે અનેક પ્રકારના પરિવર્તનોનો સામનો કરી રહ્યા હોય છે.
- Advertisement -
ખાસ સ્ત્રીઓમાં આવતા મેનોપોઝ પછી હોર્મોનલ ફેરફારોને કારણે ઊંઘમાં ખલેલ, ચીડિયાપણું, હોટ ફ્લેસ, બેચેની, હાડકાંની નબળાઈ જેવી સમસ્યાઓ ઉભી થાય છે. પુરુષોમાં એન્ડ્રોપોઝ એટલે કે ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઘટવાથી થાક, ઉર્જામાં ઘટાડો, જાતીય જીવનમાં ફેરફાર સાથે માનસિક ચિંતા અનુભવાય છે.
આ બદલાવો ખાસ કરીને પતિ-પત્ની વચ્ચેના શારીરિક સંબંધોને પ્રભાવિત કરે છે અને ક્યારેક તણાવનું કારણ પણ બને છે.
ખાસ કરીને આ સમયમાં સ્વાસ્થને લગતી સમસ્યાઓ વધે છે, બાળકો તરફની અપેક્ષાઓ પૂરી થતી નથી. કારણ તેઓ આજ સમયે તેમની લાઈફનો અગત્યનો સમય હોય છે પરિણામે સમયનો અભાવ તેમની સમસ્યા હોય છે. સાથે શારીરિક સંબંધોની ઉદાસીનતા ખાસ કરીને પુરુષો માટે વધુ ઉચાટનું કારણ બને છે. સામે તેમની માંગ સ્ત્રીઓ માટે ચીડિયાપણું વધારે છે.
સ્ત્રીઓમાં આવતા હોર્મોન્સના બદલાવને કારણે તેમની સેક્સ માટેની ઈચ્છા લગભગ નહીવત બની જતી હોય છે.
આ બાબત પુરુષે સાહજીકતાથી સ્વીકારી લેવી જરૂરી બને છે. આવા સમયે લાગણીશીલ સ્પર્શ અને મીઠાશ મુરઝાઈ રહેલી ઈચ્છા અને લાગણીઓને સંકોરે છે જે નજીકતા વધારવા પુરતા છે. તો પુરુષની ઇચ્છાઓને અનુરૂપ સ્ત્રી તેની મિત્ર બનીને જીવન સુમધુર કરી શકે છે.
લગ્નજીવનના ઉત્તરાર્ધમાં આવતા શારીરિક અને માનસિક ફેરફારો કુદરતી છે. આ બદલાવને સ્વીકારવા, પરસ્પર સહકાર આપવા અને સમજપૂર્વક વર્તવાથી દામ્પત્ય જીવનમાં સુખ-શાંતિ આવી શકે છે. આ સમય એ છે જ્યારે પતિ-પત્ની જીવનભરના અનુભવનો સાર એકબીજાને આપી શકે છે, એકબીજાના સાથી બનીને જીવનને પૂર્ણતા તરફ લઈ જઈ શકે છે.
આવા સમયમાં જો પરસ્પર સંવાદનો અભાવ હોય તો મુશ્કેલીઓ વધી જાય છે. જેની અસર સામાન્ય જીવન ઉપર પાડવા લાગે છે. અને નાની મોટો વાતમાં પણ બોલાચાલી અને અબોલા થાય છે. જે સમય પરસ્પર સહારો બનવાની હોય છે તે સમય ગુસ્સો , ઉકળાટ અને હતાશામાં પસાર થાય છે જેની મોટો અસર સ્વાસ્થ ઉપર પડે છે. આવા બધા કારણોસર આજકાલ ગ્રે હેર ડિવોર્સ કે સેપરેશનના કેસ વધતા જાય છે.
આ માટેનો ઉકેલ જો શોધવા જઈએ તો – સહુ પ્રથમ પરસ્પર ખુલ્લા મને વાતચીત કરવી જોઈએ. આ એ ઉંમર નથી જ્યાં કઈ પણ સંતાડવું પડે. લાગણીઓ, ચિંતા અને અપેક્ષાઓને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવા જોઈએ.. ખાસ જીવનસાથીના બદલાતા સ્વભાવને સમજવા અને સ્વીકારવાની ક્ષમતા વિકસાવવી. જે સાથીએ જીવનભર પોતાની ઈચ્છાને બાજુએ મૂકી, તમારી ઈચ્છા, જરૂરીયાતને પ્રથમ ઘ્યાનમાં રાખ્યા હોય તેમની માટે હવે કશુક કરવાનો સમય છે વિચારી તેમને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.
એકબીજા સાથે રોજ ચલાવના બહાને સમય વિતાવવો ખુબ જરૂરી છે. આ સમયે વાતચીતનો દોર જળવાઈ રહે તેવો પ્રયત્ન અચૂક કરવો, બે ચાર દિવસ દુર ફરવા જવું, ધાર્મિક-સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાવું, નવું શીખવું કે એકબીજાને અનુરૂપ થઇ શોખ પુરા કરવાં. જૂનાં સ્મરણો તાજા કરવા. સાથે યોગા એકસરસાઈઝ જે આ ઉંમરમાં ખોરાક જેટલું મહત્વ ધરાવે છે તે સાથે કરવા જેથી બંનેનો સાથ અને સ્વાસ્થ જળવાઈ શકે છે. સ્વાસ્થ સારું હશે તો બીજા ઘણા પ્રોબ્લેમ્સ સહેલાઈથી નિવારી શકાય છે.
ઉત્તરાર્ધ જીવનનો આ તબક્કો એક પડકાર છે, તો જીવનસાથી સાથે વધુ સમય વિતાવી શકાય તેનો અવસર પણ છે, સંબંધને વધુ ઊંડો અને પ્રેમાળ બનાવી શકાય છે. આ તબક્કે જો પતિ-પત્ની એકબીજાના શ્રેષ્ઠ મિત્ર, સાથીદાર અને સહયોગી બની જાય, તો વૃદ્ધાવસ્થા ઓછી પીડાદાયક બની રહે છે. જીવન મીઠું અને સંતોષકારક બની રહે છે.
સંતાન પોતાનાં જીવનમાં વ્યસ્ત થઈ જતા, જો પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક જોડાણ ન રહે તો એકલતા અને અવગણનાની ભાવના ઊભી થાય છે. જેના કારણે તણાવ અને મતભેદ ઉભા થાય છે. આ સમયે ઝગડાને ટાળવા જો વાતચીત ઓછી કરવાનો સમય આવે તો એથી ગેરસમજ વધે છે. યુવાનીમાં આવા સમયે બાળકો સેતુ તરીકે વચમાં રહેતા હોવાથી અબોલા ઝડપથી સંકેલાઈ જાય છે. પરંતુ એકલતાના સમયે જો બંને મક્કમ રહે તો અબોલા અને ગેરસમજ લંબાતા જાય છે.
જેના કારણે માનસિક દબાણ વધી શકે છે, જે સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. તણાવ અને ઉદાસીનતાથી ડિપ્રેશન, નિંદ્રા સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. વૃદ્ધાવસ્થા પોતે જ પડકારો ભરેલી હોય છે. જો જીવનસાથીનો સહયોગ ન મળે તો ખિન્નતા અને ખાલીપો જીવનને નિરસ બનાવી મુકે છે. થોડી પહેલ કરવાથી જીવનસાથી જો ખુશીથી તમારી પાસે આવે તેમ હોય તો આ સાવ સરળ અને સસ્તો ઉપાય છે.
જીવનનાં કોઈ પણ પડાવે માફી અને સ્વીકારનો અભિગમ અપનાવવો જરૂરી છે. લાંબા સમયથી ચાલતા ઝગડાં કે નિરાશાને અવગણવું ભૂલ સાબિત થઇ શકે છે. જરૂર પડે તો કાઉન્સિલની મદદ પણ લઇ શકાય છે. પતિ પત્ની જો એમ વિચારે કે એ તેના રસ્તે અને હું મારા રસ્તે ખુશ છીએ તો ભૂલ ભરેલું છે. આ માત્ર ટેમ્પરરી સોલ્યુશન છે. આમ કરતા સંબંધો માત્ર નામ પુરતા રહી જશે અને સમય સાથે શરીર કથળતા દુ:ખદાયક બની જશે તેમાં કોઈ શંકા નથી. બહુ લાંબો સમય ફોન અને સોશ્યલ મીડિયા ઉપર સમયનો વ્યર્થ બગાડ કરવાને બદલે એકબીજાને સમય આપો, વાત સાંભળો. જે પાસે છે તેમને મિત્ર બનાવો. જ્યારે શરીર નબળું પડે છે, ત્યારે પતિ-પત્નીને એકબીજા સાથે લાગણી અને સમજણનો સાથ વધુ મજબૂત થવો જોઈએ.