પેટ્રોલ-ડીઝલ થયાં મોંઘા: સુરત-દિલ્હીમાં પેટ્રોલ રૂા.100
આંતરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ તેલના ભાવોમાં સતત ઘટાડો છતાં ભારતીય ઓઇલ કંપનીઓ દેશમાં દર રોજ પેટ્રોલ ડીઝલના ભાવો વધારી રહી છે. છેલ્લા 8 દિવસમાં 7મી વાર ભાવો વધારી દીધા. મંગળવારે પણ પેટ્રોલની કિમતમાં 80 પૈસા અને ડીઝલના ભાવોમાં 70 પૈસાનો વધારો કરી દીધો. જેને પગલે 5 મહિના બાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 100 પર પહોંચી ગયા. જ્યારે ગુજરાતના સુરતમાં પેટ્રોલની કિંમત ફરી 100 રૂપિયા થઇ ગઇ, અન્ય શહેરોમાં થવાની તૈયારીમાં છે.
રિપોર્ટ મુજબ મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોમવારે પણ ક્રૂડ તેલના ભાવમાં 5.20 ટકા એટલે કે બેરલદીઠ 450 રૂપિયાનો ઘટાડો થયો. છતાં દેશમાં ઇંધણના ભાવો વધારવામાં આવી રહ્યા છે. છેલ્લા ભાવ વધારા પર નજર કરીએ તો દેખાશે કે 8 દિવસમાં પેટ્રોલમાં અને ડીઝલમાં 4.80 રુપિયાનો વધારો કરી દેવાયો.
સતત ભાવવધારાની વચ્ચે આંચકાજનક ન્યૂઝ એ છે કે હજુ પેટ્રોલ ડીઝલનાં ભાવોમાં 15 રુપિયાનો વધારો થઇ શકે છે. ક્રિસિલ રિસર્ચના એક રિપોર્ટ મુજબ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને થયેલા નુકસાનની ભરપાઇ માટે બંને ઇંધણના ભાવોમાં 15થી 20 રુપિયાનો વધારો કરવાની જરુર હતી. આ હિસાબે પેટ્રોલ ડિઝલ હજુ 10થી 15 રુપિયા વધુ મોંઘા થઇ શકે છે.