ગીર સોમનાથમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવનના નિર્માણમાં સહયોગ બદલ ભાનુબેનનો ઋણ સ્વીકાર અને અભિવાદન કાર્યક્રમ યોજાયો
ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ
રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબહેન બાબરીયાની અધ્યક્ષતામાં આજે મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા વેરાવળ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે વિવિધ મહિલા લાભાર્થીઓને લાભ-સહાય વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મંત્રી ભાનુબહેનના હસ્તે રાજકોટ જિલ્લાની 455 દીકરીઓને ‘વ્હાલી દીકરી યોજના’ના રૂા. 5.50 કરોડના મંજૂરી હુકમો આપવામાં આવ્યા હતા.78માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે તેમજ રક્ષાબંધન પર્વની ઉજવણીના ભાગરૂપે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રી ભાનુબહેન બાબરીયાએ પ્રવચનમાં કહ્યું હતું કે દીકરીઓના જન્મને વધાવવા તથા તેને પ્રોત્સાહન આપવા માટે તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વ્હાલી દીકરી યોજના શરૂ કરાવી હતી. આ યોજનાના કારણે દીકરીના જન્મને પ્રોત્સાહન મળ્યું છે. આજે દીકરીઓની સંખ્યા વધી રહી છે અને દીકરા-દીકરી જન્મનો રેશિયો સમાન થતો જાય છે.
- Advertisement -
અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે રૂા. 6.20 કરોડના ખર્ચે બનનાર અદ્યતન અને જિલ્લા કક્ષાના ડો. બાબાસાહેબ આંબેડકર ભવનના નિર્માણમાં સહયોગ બદલ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાનો ઋણ સ્વીકાર અને અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા વેરાવળ ખાતે અદ્યતન અને જિલ્લા કક્ષાનું ડો. બાબાસાહેબ આંબેડકર ભવન તૈયાર થવાનું છે. જેનાથી સમાજ માટે આધુનિક સુવિધાઓનો વેરાવળ શહેરમાં ઉમેરો થશે. મંત્રીએ વડોદરા ડોડિયા ગામમાં ભરાતા પાણીની સમસ્યાનો નિકાલ લાવવા માટે જિલ્લા કલેક્ટરે કરેલા કાર્યને બિરદાવ્યું હતું.



