ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરમાં દરેક વર્ષની જેમ આ વખતે પણ જન્માષ્ટમીનો લોકમેળો યોજાયો હતો, પરંતુ વરસાદ અને ભારે પવનના કારણે આ લોકમેળો રદ કરવામાં આવ્યો છે. આમ છતાં મેળા ગ્રાઉન્ડમાં આવેલા વેપારીઓએ સેલ શરૂ કરતા ત્યાં મિની મેળાનો માહોલ સર્જાયો છે. છેલ્લા બે દિવસથી લોકોની ભીડ મેળા ગ્રાઉન્ડમાં જોવા મળી રહી છે. આઠમના રોજ રાત્રી 8 વાગ્યા બાદ ભયંકર વરસાદને પગલે મેળો બંધ કરાવી દેવામાં આવ્યો હતો અને નોમના દિવસે પણ બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી. દશમના દિવસે પણ ભારે વરસાદ અને પવનને કારણે મેળો પૂર્ણ રીતે રદ કરવામાં આવ્યો.
- Advertisement -
મેળામાં છૂટક વેપારીઓએ સ્ટોલ સમેટવાના જોખમને ટાળતા પોતાની માલસામાનની વેચાણ શરૂ કરી દીધી હતી. શુક્રવારે તડકો નીકળતા લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા. સ્ટોલ ધારકો દ્વારા રમકડા, કટલેરી, ટેડીબિયર અને લેડીઝ આઇટમો વેચવાનું શરૂ થતા ગ્રાહકોની મોટી સંખ્યાએ હાજરી આપી હતી. હજી પણ લોકોને લોકમેળાની ખુશી માણવાનો આ મીની મેળો મનોરંજન આપી રહ્યો છે.મેળા મેદાનમાં નાના ચકડોળ પણ શરૂ કરી દેવાયા છે, જ્યાં બાળકો ચકડોળમાં બેસી આનંદ માણી રહ્યા છે.
ગ્રાહકોના ચહેરા પર ખુશીનો ભાવ, પોરબંદરના મિની મેળા મેદાનમાં રમઝટનો માહોલ
તડકો નીકળતા જ મેળા ગ્રાઉન્ડમાં આવેલા ગ્રાહકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. મિની મેળામાં લોકો મન મૂકીને ખરીદી કરી રહ્યા છે અને વેપારીઓને પણ રાહતનો શ્વાસ મળ્યો છે. આ મિની મેળો પોરબંદરના લોકોને ઉજવણીનો માહોલ આપી રહ્યો છે.