‘વળતર ચૂકવવાનું કહી જયસુખ પટેલ જવાબદારીમાંથી છટકી શકે નહીં’: હાઈકોર્ટ
મોરબી ઝૂલતો પુલ તૂટવાનો અફસોસ: દુર્ઘટનાનાં ત્રણ માસ બાદ હાઈકોર્ટમાં જયસુખ પટેલનાં સ્વબચાવ માટે હવાતિયાં
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી પુલ દુર્ઘટના કેસ મામલે કોર્ટમાં સુનાવણી દરમિયાન જયસુખ પટેલના વકીલે મૃતકો, ઈજાગ્રસ્તોને વળતર ચુકવવાની તૈયારી દર્શાવી. ત્યારે હાઈકોર્ટે ટકોર કરી કે વળતર ચૂકવવાની વાત કરી જવાબદારીમાંથી છટકી નહીં શકો. જયસુખ પટેલ વિરૂદ્ધ કાયદેસરના પગલા લેવા કોર્ટે ટકોર કરી હતી. જયસુખ પટેલે દુર્ઘટના અંગે માત્ર અફસોસ વ્યકત કર્યો હતો. મોરબી બ્રિજ તૂટવાને લઈ આરોપી જયસુખ પટેલે કોર્ટમાં મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું, મોરબી બ્રિજ તૂટવાની ઘટનાનો અફસોસ છે. મોરબી બ્રિજની મરામતનું કામ કરવા માટે મને વગદાર લોકોએ કામ સોંપ્યું હતું.
કોમર્શિયલ એક્ટિવિટીનો કોઈ ઈરાદો નહોતો, હેરિટેજ બચાવવા માટે કામ હાથમાં લીધું હતું. મૃતકો કે ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવાથી હું અન્ય જવાબદારીઓ કે કેસમાંથી છટકી નહીં શકું પરંતુ હું મારો યોગ્ય રીતે બચાવ કરવા માગું છું. 135 લોકોના જીવ જવાની ઘટના ઘણી દુ:ખદ છે અને હું સ્વેચ્છાએ વળતર ચૂકવવા માગું છું. કોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું કે વળતર ચૂકવવાથી પણ રેવન્યુ રાહે કે ક્રિમિનલ રાહે જયસુખ પટેલની સામે થયેલી કાર્યવાહી પર કોઈ અસર પડશે નહીં. તેની સામે જે જવાબદારીઓ ઊભી થઈ છે તે કાર્યવાહીઓ ચાલુ જ રહેશે.