જમીન માલિક પર હુમલો કરવાના કેસમાં સુપ્રીમ કોર્ટે જામીન રદ્દ કર્યા
બલી ડાંગર, રામદેવ ડાંગર, અર્જુન જળુએ સરેન્ડર કરતા ગોંડલ જેલમાં ધકેલાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ નજીક હરીપર પાળ ગામે પુષ્પાપાર્કના ચર્ચાસ્પદ જમીન કેસમાં નામચીન આરોપી બલી ડાંગર અને તેના સાગરીતોના જામીનનો હુકમ રદ કરી સુપ્રીમ કોર્ટે 24 ઓક્ટોબર સુધીમાં સરેન્ડર થવા આદેશ કર્યો હતો. જેને લઇ 24 ઓક્ટોબરના આરોપી બલદેવ ઉર્ફે બલી વીરભાનું ડાંગર, અર્જુન જલુ અને રામદેવ ડાંગરએ ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. જે બાદ ત્રયેણને ગોંડલ જેલ હવાલે કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, 2014માં લોધિકા પોલીસ સ્ટેશનમાં બલી ડાંગર અને તેની ટોળકી સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આરોપીઓએ ખુલ્લા પ્લોટો પર ગેરકાયદે રીતે કબજો જમાવી, ત્યાં ફાર્મહાઉસ બનાવી અને પ્લોટ ધારકોને ત્યાં પ્રવેશતા અટકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
રાજકોટના રહેવાસી હિમાંશુભાઈ જાની દ્વારા વર્ષ 2014માં લોધીકા પોલીસ સ્ટેશન ખાતે કુલ 22 લોકો સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં આરોપીઓ દ્વારા ખોટા દસ્તાવેજો બનાવી પ્લોટ પર કબજો કરવામાં આવ્યો હતો અને હિમાંશુ જાનીને જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આ કેસમાં આરોપીઓની ધરપકડ બાદ જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી ફરિયાદી દ્વારા વર્ષ 2022માં જામીન રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.ગુજરાત હાઇકોર્ટ દ્વારા ચાર આરોપી બલી ડાંગર, અર્જુન જલુ, રામદેવ ડાંગર અને મયુર પરમારના જામીન રદ કરવામાં આવ્યા હતા. આ પછી ચારેય આરોપીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરી જામીન યથાવત્ રાખવા રજૂઆત કરવામાં આવી હતી. જો કે, આ રજૂઆત નકારી ગુજરાત હાઇકોર્ટનો નિર્ણય યથાવત્ રાખી સુપ્રીમ કોર્ટ દ્વારા આરોપીઓને 24 ઓક્ટોબર સુધીમાં સરેન્ડર કરવાનો હુકમ કરતા 24 ઓક્ટોબરને શુક્રવારના રોજ આરોપી બલી ડાંગર, રામદેવ ડાંગર અને અર્જુન જલુએ સરેન્ડર કરતા ગોંડલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.



