ગેડી – પરનાળા ગામને જોડતા મુખ્ય માર્ગ પરના ક્રોઝવે પર પાણી ફરી વળ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
રાજ્યમાં ગત મહિને થયેલા વરસાદને લીધે નુકશાની બાદ હવે ચાર દિવસથી સતત સાંજના સમયે પડતાં વરસાદે અં વધુ નુકશાની સર્જી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 25 સપ્ટેમ્બરના રોજ સાંજથી વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલ વરસાદ છેલ્લા ચાર દિવસથી દરરોજ પોતાની દેખા દઈ રહ્યો છે.
- Advertisement -
ત્યારે આ વરસાદના પગલે પણ વધુ નુકશાની સામે આવી રહી છે જેમાં ખેડૂતો પાક નુકશાની અને પશું પાલકોના પશુઓ પર વીજળી પડતાં મોત થયા હોવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે ત્યારે ભારે વરસાદના લીધે જનજીવન પણ ખોરવાયું છે. જેમાં લીમડી પંથકમાં ભારે વરસાદે નદી – નાળા અને તળાવોને છલોછલ ભરી દેતા પાણી ઓવર ફલો થયું હતું જેના લીધે લીમડાના ગેડી – પરનાળા ગામ તરફ જવાના માર્ગ પર આવેલા ક્રોજ વે પર પાણી ફરી વળતા વાહન ચાલકો અધવચ્ચે અટવાયા હતા કલાકો સુધી પાણી વાહન ચાલકો દ્વારા રાહ જોયા બાદ પાણી ઓસરતાં વાહન વ્યવહાર ફરી શરૂ થયો હતો. આ તરફ રવિવારે સવારે વસ્તડી ગામ તરફ જવાના માર્ગ પર આવેલ ક્રોઝવેમાં ચાર ફૂટ જેટલું વરસાદી પાણી ભરાયુ હતું આ પાણીમાંથી પસાર થતી એક બોલેરો કાર સહિત 6 લોકો પાણીમાં તણાયા હતા. પાણીના પ્રવાહમાં તણાયેલા તમામ લોકોનું ગ્રામજનો દ્વારા રેસ્ક્યું કરી કલાકોની જહેમત બાદ તમને બચાવી સલામત સ્થળે ખસેડાયા હતા.
જોકે સદનસીબે કોઈ જાનહાનિ થયાની વિગત સામે આવી ન હતી પરંતુ આ પ્રકારે વરસાદના લીધે અનેક ક્રોઝવે પર પાણીનો પ્રવાહ વધતા મોટાભાગે વાહન ચાલકોને કલાકો સુધી માર્ગ પર ઊભા રહીને પાણી પર્વની રાહ જોવી પડી હતી.