68 ચાલકના વાહન ડિટેઇન કરી રૂ.2,47,754નો દંડ ફટકાર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ફેબ્રુઆરી-2025માં નિયમભંગના 3413 ચાલક સામે કેસો કરીને ચાલકોને રૂ. 13.70 લાખનો દંડ કરાયો હતો. આ સમયગાળામાં 68 વાહનને પણ ડિટેઇન કરાયા હતા.
આમ આ માસમાં દૈનિક 121થી વધુ ચાલકે રૂ. 48 હજારથી વધુનો દંડ ભર્યાનો ઘાટ સર્જાયો હતો. સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં ટ્રાફિકની સમસ્યા તેમજ વધતા વાહન અકસ્માતો પર રોક લગાવવી જરૂરી બની છે. ત્યારે જિલ્લા પોલીસવડા ડો. ગિરિશ પંડ્યાના માર્ગદર્શન નીચે જિલ્લાના નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે તેમજ અન્ય ધોરીમાર્ગો પર ટ્રાફિક પીએસઆઈ એલ.બી.બગડા તેમજ તમામ ટ્રાફિક સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ફેબ્રુઆરીમાં ટ્રાફિક નિયમભંગ કરનાર 3076 વાહન ચાલક પાસેથી હાજર દંડ (એનસી) રૂ.11,02,700 જેટલો વસૂલ કરાયો હતો. તેમજ 68 વાહન ડિટેઈન કરીને રૂ.2,47,754નો દંડ ફટકાર્યો હતો.
- Advertisement -
આ ઉપરાંત ટ્રાફિકને અડચણરૂપ 176 જેટલા લારી-ગલ્લા વાળા પાસેથી રૂ.17,600નો દંડ, તમાકુ અધિનિયમ અંતર્ગત 28 કેસમાં રૂ.2800નો દંડ કરાયો હતો. જ્યારે દારૂ પીને વાહન ચલાવતા ચાલકો અને ભયજનક વાહન ચલાવતા ચાલક તેમજ ટ્રાફિક અડચણરૂપ સહિત કુલ 65 ચાલક સામે કાર્યવાહી કરાઇ હતી. છેલ્લા એક માસમાં 3413 વાહનચાલક સામે કાર્યવાહી કરીને રૂ.13,70,854નો દંડ વસૂલાયો હતો. આમ આ માસમાં દૈનિક 121થી વધુ ચાલકે રૂ. 48,000થી વધુનો દંડ ભર્યાનો ઘાટ સર્જાયો હતો.
ઇ-મેમાનો દંડ ન ભરનાર ચાલકોને લોકઅદાલતમાં હાજર રહેવા નોટિસ
સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર, વઢવાણ તથા જોરાવરનગર શહેરી વિસ્તારમાં પોલીસ દ્વારા સીસીટીવી મોનિટરિંગ કરવામાં આવે છે. તેમાંથી જે લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ઇ-મેમા ઇશ્યૂ કરવામાં આવે છે. જે વાહનચાલકોએ ઇ-મેમાનો દંડ ના ભર્યો હોય તેમને તા.8.3.25 ના રોજ પ્રિ-લિટિગેશન લોક અદાલતમાં હાજર રહેવા નોટિસ અપાઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં નેત્રમ દ્વારા ઈશ્યૂ કરવામાં આવેલ ઇ-મેમા પૈકી જે વાહન ચાલકોના ઇ-મેમાના દંડ ભરાયો નથી તેવા વાહનચાલકો વિરુધ્ધ સુરેન્દ્રનગર તાલુકા કાનૂની સેવા સમિતિ અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ દ્વારા નોટિસ કાઢી વાહન માલિકને સરનામા પર તેમજ મેસેજથી મોકલી આપવામાં આવ્યા હતા. ટ્રાફિક નિયમના ભંગ બદલ ઇ-મેમાનો દંડ ભરવા માટે જાણ કરાઈ હતી. સૌથી વધુ 2413 કેસ ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવાના નોંધાયા હતા. જ્યારે ફેન્સી નંબર પ્લેટના 1592 કેસ નોંધાયા હતા. જ્યારે બાઈક પર 3 સવારીના કુલ 1548 કેસ નોંધાયા હતા.



