થીસીસ પર કાર્યવાહી ન થતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં અનોખો વિરોધ; ત્રણ મહિનાથી વધુ સમય વીતવા છતાં વિદ્યાર્થિનીઓને ન્યાય નહીં
‘સમયસર વાયવા ન થવાથી શૈક્ષણિક, કારકિર્દી અને આર્થિક નુકસાન’; કુલપતિએ જવાબદાર અધિકારીઓને ત્વરિત નિર્ણય લેવા સૂચના આપી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ફેકલ્ટી ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સના પીએચ.ડી. વિદ્યાર્થીનીઓએ પોતાની થીસીસ જમા કરાવ્યાના ત્રણ મહિનાથી વધુ સમય વીતી જવા છતાં આગળની કોઈ કાર્યવાહી ન થતાં વિરોધનો અનોખો માર્ગ અપનાવ્યો હતો. આજે, વિદ્યાર્થીનીઓએ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા સરસ્વતી મંદિરે પ્રાર્થના કરી અને નાટ્યાત્મક રીતે સરસ્વતી દેવીનું સ્વરૂપ ધારણ કરી ખુદ દેવીએ કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડો. ધરમ કાંબલીયાની આગેવાનીમાં વિદ્યાર્થીનીઓએ કુલપતિ ચેમ્બર સુધી કૂચ કરી હતી. સરસ્વતી દેવીના રૂપે આવેલ વિદ્યાર્થીનીએ કુલપતિ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, “હું વિદ્યા અને જ્ઞાનનું પ્રતીક સરસ્વતી છું. વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના સત્તાધીશો પાસે ફરિયાદ લઈને આવે છે, પણ જ્યારે સત્તાધીશો તેમની રજૂઆત સાંભળતા નથી, ત્યારે મારે ખુદ કુલપતિની ચેમ્બર સુધી આવવું પડે છે.”
તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, “પીએચ.ડી.ના વિદ્યાર્થીઓએ થીસીસ રજૂ કર્યાને મહિનાઓ થઈ જાય અને તે કાગળો ધૂળ ખાતા થઈ જાય, તે તેમની મહેનત ઉપર પાણી ફેરવવા સમાન છે અને જ્ઞાનનું અપમાન છે. યુનિવર્સિટીના વડા તરીકે આપ વિદ્યાર્થીઓના હિતમાં ત્વરિત નિર્ણય કરી તેમને ન્યાય અપાવો.” કુલપતિ ચેમ્બરમાં આવેદન આપતી વખતે કુલપતિ પ્રોફે. ઉત્પલ જોશી અને ડો. ધરમ કાંબલીયા વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. જોકે, આ રજૂઆત અંગે કુલપતિએ સકારાત્મક પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ કરેલી રજૂઆત સંદર્ભે યોગ્ય નિર્ણય કરવા માટે જવાબદાર અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. કુલપતિએ સ્પષ્ટતા કરી કે, “કોઈ પણ વિદ્યાર્થીને અન્યાય નહીં થાય. ડીન એ માત્ર વહીવટી પ્રક્રિયા છે, જેના કારણે થીસીસ અટકી શકે નહીં. જરૂર પડશે તો હું ખુદ ડીનના બદલે થીસીસ પર સહી કરી દઈશ.” તેમણે ખાતરી આપી હતી કે વિદ્યાર્થીઓના હિતમાં ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે.
ડીનની ગેરહાજરીનું કારણ ગેરવ્યાજબી: ડૉ. ધરમ કાંબલીયા
ડો. ધરમ કાંબલીયાએ જણાવ્યું હતું કે, થીસીસ સબમિટ થયા પછી યોગ્ય સમય મર્યાદામાં વાયવા પૂર્ણ ન થાય તો વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક કારકિર્દી અને આર્થિક ભવિષ્યને લગતું મોટું નુકસાન થઈ શકે છે. તેમણે યુનિવર્સિટીની વહીવટી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, વિદ્યાર્થીઓ રજૂઆત કરવા જાય ત્યારે ડીન ન હોવાના કારણે કાર્યવાહી અટકી હોવાનું જવાબ મળે છે. ડીનની નિમણૂક કરવી તે યુનિવર્સિટીની વહીવટી પ્રક્રિયા છે, જેના ભોગે વિદ્યાર્થીઓને અન્યાય થાય તે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં.



