ખેડૂતે મહામહેનતે ભેગા કરેલા કપાસ પર એક તણખાએ પાણી ફેરવી નાખ્યું !
ખાસ-ખબર સંવાદદાતા
ટંકારાના સરાયા ગામે ખેતરમાં વીજ વાયરનો તણખો પડતા કપાસ સળગી ઉઠ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ખેડૂતે કપાસ ભેગો કરી ઢગલો કર્યો હતો પણ એક તણખાએ ખેડૂતની મહેનત ઉપર પાણી ફેરવી દીધું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના સરાયા ગામે અશોકભાઈ હેમંતભાઈ પટેલના ખેતરમાં કપાસનો ઢગલો કરવામાં આવ્યો હતો જ્યાં ઉપરથી પસાર થતા વીજ વાયરમાં શોર્ટ સર્કિટ થતા નીચે તિખારો પડતા કપાસના ઢગલામાં આગ લાગી હતી. કપાસ સળગી ઉઠતા ધુમાડાના ગોટેગોટા નિકળતા જોઈ આજુબાજુના ખેડૂતો એકઠા થયા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો જોકે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ઘણો બધો કપાસ બળીને ખાખ થઈ ગયો હતો. આ બનાવ અંગે ટંકારા પીજીવીસીએલને જાણ કરવામાં આવી હતી અને પીજીવીસીએલની ટીમ દ્વારા સર્વે સહિતની કામગીરી હાથ ધરી હોવાનું ખેડૂતો પાસેથી જાણવા મળ્યું છે.
ટંકારાના સરાયા ગામે ખેતરમાં વીજ વાયરનો તણખલો પડતા કપાસ સળગ્યો
