પિયતના તથા પીવાના પાણીનો લાભ આપવાનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સૌની યોજના લિંક-3 પેકેજ-10 હેઠળ રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોને પાણીની વિશેષ સવલતો આપવા માટે સરકાર દ્વારા પેકેજ હેઠળ કામો મંજૂર કરવામાં આવે છે. એ પેકેજ અન્વયે બાકી રહેલા વિસ્તારો માટે રાજકોટ વિધાનસભા-71 ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોની રજૂઆતોને ધ્યાને લઈ મંત્રી ભાનુબેન બાબરીયા દ્વારા આ બાબતને પ્રાયોરિટી આપી નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગને જણાવીને આજુબાજુના વિસ્તારના લોકોને પીવાના પાણી અને સિંચાઈની સુવિધા મળી રહે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. મંત્રીની રજૂઆત મુજબ કાબરકા, સોનમતી અને ડોંડી જળાશયના વિસ્તરણના કામો નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા રૂા. 32.78 કરોડની માતબર રકમ મંજૂર કરી ખર્ચ કરવાની મંજુરી આપી છે.
- Advertisement -
આ કામો મંજૂર થતાં રાજકોટ જિલ્લામાં ખાસ કરીને લોધિકા તાલુકાના આસપાસના ગામોને સૌની યોજના લીંક-3 પેકેજ-10 દ્વારા સિંચાઈ અને પીવાના પાણીની સગવડનો સીધો લાભ મળશે અને સુવિધામાં વધારો થશે. સૌની યોજના અંતર્ગત પાઈપલાઈન મારફત સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા 115 જળાશયોમાં પાણી સંગ્રહિત કરવાના ભાગરૂપે વિવિધ કામો હવે મહદ્અંશે પૂર્ણતાને આરે છે અને વિશેષમાં બાકી રહેલા રાજકોટ જિલ્લાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોના કામોને મંજૂરી મળતાં સમગ્ર પ્રજાજનોએ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાનો આભાર માન્યો હતો.