પંજાબના બે રહેવાસીઓની ધરપકડ : કાશ્મીરથી જમ્મુ જઇ રહેલા વાહનમાંથી 30 કિલો કોકેઇન પકડાયું : એનડીપીએસ એક્ટ હેઠળ કેસ દાખલ
ખાસ-ખબર સંવાદદાતા
જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં પોલીસે 30 કીલો કોકેઇન જપ્ત કર્યુ છે જેની કીંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 300 કરોડ રૂપિયા આંકવામાં આવી છે તેમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું છે.
નાર્કો ટેરર મોડયુલના પર્દાફાશ કરતા અધિકારીએ જણાવ્યું હતું કે જમ્મુ-શ્રીનગર હાઇવે પાસે આવેલા બનિહાલ વિસ્તારમાંથી કોકીન જપ્ત કરવામાં આવ્યા પછી પંજાબના બે રહેવાસીઓની ધરપકડ કરવામાં આવી છે.
જમ્મુ ક્ષેત્રના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ મુકેશ સિંહના જણાવ્યા અનુસાર શનિવાર રાતે 10.30 કલાકે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ મોહિત શર્માના નેતૃત્ત્વમાં રામબન પોલીસે કાશ્મીરથી જમ્મુ જઇ રહેલા એક વાહનને રોક્યું હતું જેમાંથી 30 કીલો કોકેઇન જપ્ત કરવામાં આવ્યું હતું.
સિંહના જણાવ્યા અનુસાર નાર્કોટિસ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ હેઠળ બનિહાલ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
બનિહાલ સ્ટેશન હાઉસ ઓફિસર મોહંમદ અફઝન વાનીના જણાવ્યા અનુસાર ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની ઓળખ પંજાબના જલંધર રહેવાસી સરબજીત સિંહ અને ફગવાડાના હની બસરા તરીકે કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ કીલો કોકેઇન વાહનની છત પર જ્યારે 27 કીલો કોકેઇન સામાનમાંથી જપ્ત કરવામાં આવ્યું છે. જ્યારે આ વાહનને રોકવાનો પ્રયાસ કર્યો તો તેમણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો જો કે પોલીસ તેમને પકડવામાં સફળ રહી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર કોકેઇન સરહદ પારથી લાવી ઉત્તર કાશ્મીરથી પંજાબ લઇ જવામાં આવી રહ્યું હતું.