બોમ્બે હાઉસિંગ સોસાયટી નજીક વોકિંગ કરતી છાત્રાનો સોનાનો ચેન ઝુંટવાયો
ખરીદી કરવા ગયેલી મહિલાનો 30 હજારનો ચેન સેરવી લેનાર મહિલા ઝડપાઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં સમડી ગેંગ ફરી સક્રિય થઇ હોય તેમ પોલીસ ચોપડે ચિલઝડપના ત્રણ બનાવો નોંધાયા છે જે પૈકી એક બનાવનો પોલીસે ભેદ ઉકેલી નાખી મહિલાની ધરપકડ કરી છે.
મૂળ વીરપુરની અને હાલ સાધુ વાસવાણી રોડ પર બોમ્બે હાઉસિંગ સોસાયટીમાં આવેલા હોસ્ટેલમાં રહી કોલેજમાં અભ્યાસ કરતી બંસીબેન પરેશભાઈ માદરીયા ઉ.20ના ગળામાંથી બાઈક પર આવેલા બે શખ્સો રૂા.60 હજારની કિંમતનો સોનાનો ચેન ઝુંટવી ભાગી ગયાની ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈ તા. 13-2 ના રોજ રાત્રે ગર્લ્સ હોસ્ટેલથી આઈસ્ક્રીમ ખાવા માટે ગઈ હતી. જયાંથી પરત આવી હોસ્ટેલ નજીકના મહાદેવ મંદિર પાસે વોકીંગ કરતી હતી ત્યારે નંબર પ્લેટ વગરના બાઈક ઉપર ધસી આવેલા બે શખ્સોમાંથી પાછળ બેઠેલા શખ્સે તેના ગળામાં ઝોંટ મારી રૂા.60 હજારની કિંમતનો સોનાનો ચેન ઝુંટવી લીધો હતો ચેન ઝુંટવી લેનાર શખ્સે કાળા કલરનો શર્ટ, માથા પર ટોપી પહેરી હતી જયારે ચહેરો રૂમાલથી ઢાંકી દીધો હતો.
બીજા બનાવમાં 150 ફૂટ રિંગ રોડ પરના ઓમનગર સર્કલ પાસે આવેલી શાક માર્કેટમાંથી ગિરનાર સોસાયટીના લાભુબેન છગનભાઈ પાણખાણીયા ઉ.55 શાકબકાલાની ખરીદી કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સે આવી નજર ચૂકવી ગળામાંથી રૂા.30 હજારની કિંમતનો સોનાનો ચેન સેરવી લીધો હતો. જે અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી દરમિયાન પીઆઇ હરિપરા અને ટીમે તપાસ હાથ ધરતા બાતમી તેમજ હ્યુમન સોર્સની મદદથી ચીલઝડપ કરનાર હિસ્ટ્રીશીટર નિકિતા ઉર્ફે નીરૂ અલ્પેશભાઈ સાવલીયાને દબોચી લઈ 30 હજારનો મુદામાલ કબજે કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ ઉપરાંત રૈયા ટેલીફોન એકસચેન્જ રોડ પર ન્યુ ગીતાનગરમાં રહેતાં વિજયાબેન નીતીનભાઈ રાઠોડ નામના પ્રૌઢા ગઈ તા.8/રના પૌત્રી કાવ્યા સાથે ઘરેથી ગોપાલ ચોકમાં આવેલા હનુમાન મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યાંથી તે પરત ફરી રહ્યા હતા ત્યારે નિવદીતા સોસાયટી શેરી નં.ર પાસે બાઈક પર ધસી આવેલા બે અજાણ્યા શખ્સોએ તેના ગળામાં ઝોંટ મારી સોનાના ચેઈનની ચિલઝડપનો પ્રયાસ કર્યો હતો.