ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતની લોકસભાની રપ બેઠકો માટે આજે સવારે ઉત્સાહપૂર્વક મતદાનનો પ્રારંભ થયો છે. સૌરાષ્ટ્રના પાટનગર અને પૂરા રાજયમાં હોટ સીટ તરીકે ઓળખાયેલી રાજકોટ બેઠક પર સવારથી અનેક મતદાન કેન્દ્રોમાં નાગરિકો ફરજ અદા કરવા વહેલા પહોંચી ગયા હતા.ભારે ગરમીના કારણે મતદાનનો સમય સવારે 7 થી 6 નો રાખવામાં આવ્યો છે. એટલે હજારો જાગૃત નાગરિકો સવારે 7 વાગ્યામાં મત આપવા પહોંચી ગયા હતા. પહેલા મતદાન પછી જલપાન એ સુત્રને નાગરિકોએ યાદ રાખ્યુ હતું.
- Advertisement -
રાજકોટના અમુક શાળા બિલ્ડીંગ અંદર અને બહાર પણ સવારે મોટી લાઇનો દેખાઇ હતી. શહેરની મધ્યમાં આવેલી સ્કુલમાં તો બિલ્ડીંગ બહાર રોડ પર આ લાઇન જોઇને મતદારોની જાગૃતિનો અંદાજ આવ્યો હતો. અનેક બુથમાં નવા મતદારો પણ ઉત્સાહ સાથે સવારમાં પહોંચ્યા હતા અને પ્રથમ વખત મત આપવાનું ગૌરવ અનુભવ્યું હતું. બપોરે તડકો વધે તે પૂર્વે મત આપવા એક મોટો વર્ગ નીકળી પડયો હતો. જે જાગૃતિએ અન્ય મતદારોને પ્રેરણા આપી હતી. આજે સાંજ સુધી આવી જાગૃતિ દેખાય એટલે લોકશાહીનું મહાપર્વ ઉજવવાનું મહત્વ સાર્થક ઠરશે.