ફાયરના સાધનો ફીટ કરાવવા માટે ત્રણ મહિના સુધી બંધ રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ફાયર એનઓસી અને બીયુ મુદ્દે મનપાએ ઝુંબેશ શરૂ કરતા મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ પણ ઝપટમાં આવી ગયા છે. ફાયરના સાધનો ફીટ કરવા માટે મનપાના તમામ હોલ ત્રણ મહિના માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે અગાઉ પ્રસંગો માટે જે બુકિંગ થયા હતા એ તમામ બુકિંગ રદ કરી દેવામાં આવતા અનેક પ્રસંગો રઝળી પડ્યા છે. ટીઆરપી અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાએ ફાયર એનઓસી અને બાંધકામ પરમીશન મુદ્દે તડાપીટ બોલાવી અનેક એકમો સીલ કરી દીધા હતાં. જેમાં સાથો સાથ મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં પણ ફાયર એનઓસી અને જરૂરી સાધનો ન હોવાના કારણે હોલ સીલ કરવા પડે તેવી સ્થિતિ ઉભી થતાં તાત્કાલીક ધોરણે તમામ હોલમાં ફાયર સેફ્ટીના સાધનો ફીટ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
જેનો સમય પૂર્ણ થતા આગામી 1 ઓગસ્ટથી 17 કોમ્યુનિટી હોલ 3 મહિના માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ત્રણ માસ દરમિયાન પ્રસંગો માટે થતાં બુકિંગો પણ બંધ કરવામાં આવ્યા છે. જોકે અમૃત ઘાયલ કોમયુનિટી હોલ અને અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલમાં ફાયર સેફ્ટીના સાધનો અને એનઓસી હોવાથી આ બન્ને હોલ ચાલુ રાખવામાં આવશે. મનપાએ તેના તમામ 17 કોમ્યુનિટી હોલ 3 માસ માટે બંધ કરવાનો નિર્ણય લેતા અનેક પરિવારોના પ્રસંગો રઝડી પડ્યા છે. કારણ કે, નિયમ મુજબ કોઈ પણ પરિવારે પ્રસંગ માટે 90 દિવસ પહેલા હોલ બુક કરાવવો પડે છે. અગાઉ ત્રણ મહિના પહેલા ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસ માટે પ્રસંગોના બુકીંગ કરાવ્યા છે. એ તમામ રદ કરવાનો પણ નિર્ણય લેવાતા બુકિંગ કરાવેલ હોય તેવા પરિવારો હવે પોતાના પ્રસંગો માટે જગ્યા શોધવા માટે દોડા દોડી કરવા લાગ્યા છે.