ત્રણ દિવસમાં ત્રણ ગુના આચર્યાની કબૂલાત: માલવિયાનગર પોલીસને મળી સફળતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
- Advertisement -
રાજકોટમાં રિક્ષા ગેંગ પછી ઇકો ગેંગ સક્રિય થઈ હોય અને મુસાફરોને બેસાડી રોકડ સેરવી લેતી હોવાની ઘટના નોંધાતા માલવીયાનગર પોલીસે ત્રણ શખ્સોને દબોચી લીધા છે.
શહેરના લક્ષ્મીનગરમાં પીજીવીસીએલ કચેરીએ બીલ ભરીને ચાલીને જીવરાજ પાર્ક તરફ જઇ રહેલા પ્રૌઢને ઇકોના ચાલકે ‘ચાલીને જવા કરતાં આમાં બેસી જાવ, મુકી જઇએ’ કહી લિફટ આપી હતી. બાદમાં આગળ બેઠેલા શખ્સે ઉલ્ટીનું નાટક કરી આ પ્રૌઢના ખિસ્સામાંથી રોકડ સેરવી તેને ઉતારી મુક્યા હતાં.
માલવીયાનગર પીઆઇ જીગ્નેશ દેસાઇના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં રહેલ ટીમે બાતમી આધારે નાના મવા સર્કલ પાસેથી અમરસરના વિપુલ નાનજીભાઇ પરમાર, શિવનગરના કિશન ઉર્ફ કિશો મગનભાઇ પાંભણીયા અને કોટડાસાંગાણીના રીયાઝ છોટુભાઇ બુખારીને દબોચિ લીધા આ ત્રણેય નવા કોઇ મુસાફરને શોધી શિકાર કરે એ પહેલા પકડી લેવાયા હતાં. તેની પાસેથી જીજે12બીએફ-1770 નંબરની ઇકો કાર તથા રોકડા 8 હજાર કબ્જે લેવાયા છે. પુછતામાં આ ત્રણેયએ વધુ બે ગુના કબુલ્યા છે. જેમાં ગોંડલ ચોકડીએ એક મુસાફરને બેસાડી એક હજાર તથા ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાસે એક મુસાફરને બેસાડી આઠસો રૂપિયા કાઢી લીધા હતાં વિપુલ ડ્રાઇવીંગ કરતો, રીયાઝ કોને બેસાડવો એ નક્કી કરતો અને કિશન ઉર્ફ કિશો ઉલ્ટી ઉબકાનું નાટક કરી મુસાફરના ખિસ્સામાંથી પર્સ-રોકડ ચોરી લેતો હતો. મોજશોખ માટે ત્રણેય આ રવાડે ચડયાનું રટણ કર્યુ હતું.