સૌરાષ્ટ્રમાં પવનની ઝડપ સામાન્યથી વધુ રહી, છાંટા પડ્યા
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં બુધવારે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી જ વાદળછાયુ વાતાવરણ રહેતા આકરા તાપમાંથી રાહત મળી હતી. હવામાન ખાતાના જણાવ્યાનુસાર આજે બપોર સુધી હજુ વાદળછાયુ વાતાવરણ રહેશે. બપોર બાદ વાતાવરણ સ્વચ્છ થવાની શરૂઆત થશે અને કાલે શુક્રવારે સંપૂર્ણ પણે વાતાવરણ એકદમ ચોખ્ખું થઈ જશે. તેની સાથે સાથે મહત્તમ તાપમાન પણ 40 ડિગ્રીની આસપાસ નોંધાઇ તેવી સંભાવના છે. બુધવારે વાતાવરણમાં પલટો આવતા ગરમીનો પારો 7 ડિગ્રી ઘટ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી 41 થી 43 ડિગ્રી વચ્ચે રહેતું તાપમાન ઘટીને 33 ડિગ્રીએ પહોંચતા લોકોએ આકરા તાપમાંથી રાહત મળી હતી.
ઉત્તર ભારતમાંથી પસાર થતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ ભારત સુધી લંબાયું છે. જેની અસરના ભાગરૂપે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બપોરે તેમજ સાંજના સમયે કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટાં પડ્યા હતા. આજે પણ સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, પોરબંદર અને જૂનાગઢમાં વાદળો છવાયેલા રહેવાની સંભાવના વર્તાઈ રહી છે. બુધવારે રાજકોટમાં પવનની ઝડપ 12થી 16 કિલોમીટરની રહી હતી.
બેડી યાર્ડ સહિત સૌરાષ્ટ્રભરના યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ રહી છે. વાતાવરણ બદલાતાં જ યાર્ડમાં ઉતારેલી જણસીઓ ઢાંકવા માટેની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી હતી. ખુલ્લામાં પડેલી જણસીને તાલપત્રીથી ઢાંકવામાં આવી હતી. વાતાવરણ બદલવાને કારણે બેડી યાર્ડમાં બહાર ઉતારવામાં આવતી આવક બંધ કરાઈ છે. બેડી યાર્ડમાં ઘઉં, મગફળી, રાઇ- રાઇડો, મેથી, ધાણા, વરિયાળી, ચણા, લસણ, સુકા મરચાંની આવક બંધ કરાઈ છે. હાલ ખેતરમાં ઘઉં, ચણા હાર્વેસિ્ંટગ થઈ ગયા છે. એટલે વાતાવરણમાં પલટો આવ્યો હોવા છતાં કોઇ તેની વિપરીત અસર થશે નહિ. જો આઠ દિવસ આવું વાતાવરણ રહે તો પાકમાં રોગચાળાનું પ્રમાણ વધવાની શકયતા રહે. જોકે પવનની ઝડપ પણ સામાન્ય રહેતા બાગાયતી પાકને થતું નુકસાન થયું નથી. તેમ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક ડી.આર. મહેતા જણાવે છે.