નક્કર પગલાંનો અભાવ હોવાથી આસામીઓ બેફિકર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં તહેવાર પૂર્ણ થયા બાદ અને વાતાવરણમાં મીક્ષ ઋતુ ચાલી રહેલ છે ત્યારે ઘરે-ઘરે રોગચાળો વકર્યો છે. થોડા શહેરીજનો સરકારી હોસ્પિટલમાં તો મોટાભાગના શહેરીજનો ખાનગી હોસ્પિટલમાં સારવાર કરી માંદગીમાંથી બહાર આવે છે ત્યારે મનપાની આરોગ્ય શાખા દ્વારા છેલ્લાં અઠવાડીયામાં શહેરમાં ડેંગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા વગેરે જેવા રોગચાળા સામે ઝુંબેશ હાથ ધરી છે. શહેરના વિવિધ વિસ્તારો જેવા કે તિરૂપતિ બાલાજી, તિરૂપતિ પાર્ક, ગણેશ પાર્ક, લોકમાન્ય તિલક ટાઉનશીપ, કરણપરા, જંકશન પ્લોટ, ડો. હેડગેવાર ટાઉનશીપ, ભગિની નિવેદિતા ટાઉનશીપ, છત્રપતિ શિવાજી ટાઉનશીપ, ઝાંસીની રાણી ટાઉનશીપ, ગુલાબવાટિકા, મુંજકા ગામ, શ્યામાપ્રસાદ મુખર્જી આવાસ, ગુંદાવાડી, નવા રીંગ રોડની આજુબાજુનો વિસ્તાર સહિતના વિસ્તારોમાં ફોગિંગની કામગીરી કરી હતી.ક્ષ આ ઉપરાંત ડેંગ્યુ રોગચાળો ફેલાતો અટકાવવા શહેરી વિસ્તારના રહેણાંક મકાનો, દુકાન, એપાર્ટમેન્ટ, કોમર્શિયલ કોમ્પલેક્ષ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો પર તપાસ હાથ ધરી છે. આ કામગીરી હેઠળ રહેણાંક સહિતના 544 જેટલી બાંધકામ સાઈટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટલ, કોમ્પલેક્ષ, ભંગારના ડેલામાં તપાસ હાથ ધરતાં 498 કોમર્શિયલ અને 121 આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે.