એક્ટિવા ચાલકની હાલત ગંભીર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ આજે વહેલી સવારે ઇન્દિરા સર્કલ નજીક એક અકસ્માતની ઘટના બની હતી. પૂરપાટ ઝડપે આવતી કારે મોમાઈ ચાની હોટલ પાસે એક્ટિવા સવારને અડફેટે લીધો હતો. ટક્કર એટલી ભયંકર હતી કે એક્ટિવા ચાલક 15 ફૂટ દૂર ફંગોળાયો હતો અને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે ત્યાં વોકિંગ કરવા નીકળેલા લોકો અને હોટેલ પર ચા પી રહેલા લોકો એકઠા થઇ ગયા હતા અને કાર ચાલકને અટકાવી બેસાડી દીધો હતો.આ મામલે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા હેડકોન્સ્ટેબલ વસંતબેન અને સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ કાર્યવાહી કરી હતી.
- Advertisement -
બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના નિર્મલા રોડ પર આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા 45 વર્ષીય પારસભાઈ વલ્લભદાસ હિરાણી વહેલી સવારે પોતાનું એક્ટિવા લઇને કોટેચા ચોકથી ઇન્દિરા સર્કલ તરફના માર્ગે આવેલી મોમાઈ હોટલે ચા પીવા ગયા હતા. ચા પીને ઘરે પરત આવી રહ્યાં હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતી કારે તેમના એક્ટિવાને અડફેટે લીધું હતું. કારે અડફેટે લેતા પારસભાઈ 15 ફૂટ જેટલા ઢસડાયા હતા. બનાવની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. પારસભાઈના માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખેસડ્યા હતા.
- Advertisement -
અકસ્માતની ઘટનાના પગલે હાજર લોકોએ કાર ચાલક અને તેના મિત્રને ઝડપી પાડ્યો હતો અને બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. ગાંધીગ્રામ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બન્ને આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પારસભાઈ ઓરીએન્ટ ઇન્સ્યોરન્સના એજન્ટ એજન્ટ તરીકે નોકરી કરે છે તેમના પિતા નામી તબીબ હોવાનું જાણવા મળ્યું છે.