ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહાનગરો-નગરોના લોકોના જનજીવનની સુવિધા સુખાકારીમાં વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ નિર્ણય લઇને રાજકોટ મહાનગરમાં ચાર ફ્લાય ઓવર માટે રૂ.185 કરોડ સહિત સૌરાષ્ટ્ર વિસ્તાર માટે કુલ રૂ.247.92 કરોડના વિકાસ કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
- Advertisement -
મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાય ઓવર બ્રિજ ઘટક અંતર્ગત મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ મહાનગરમાં ચાર ફ્લાય ઓવર નિર્માણની મહાનગરપાલિકાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તદઅનુસાર, કુલ રૂ. 185.79 કરોડના અંદાજિત ખર્ચે રાજકોટમાં કટારીયા ચોકડી પર અંડરબ્રિજ અને ફ્લાય ઓવર બ્રિજના ફેઝ-2 નું કામ, રૈયા ગામથી સ્માર્ટ સિટીના ડી.પી. રોડ પર વોકળા બ્રિજ નિર્માણ, 150 ફૂટ રીંગ રોડ પર કટારીયા ચોકડીથી સ્માર્ટ સિટી જતા રોડ પર ત્રણ બ્રિજના વાઈડનીંગ કામ તેમજ ખોખળ દળ નદી ઉપર કોઠારીયા તથા લાપાસરીને જોડતા માર્ગ પર હાઇ લેવલ બ્રિજ બનાવવાના કામોનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીએ રાજકોટ મહાનગરપાલિકાના ફ્લાય ઓવરના કામો સહિત સૌરાષ્ટ્રના ભાવનગર, શિહોર, ગોંડલ અને માળિયા-મિયાણા માટે પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી વિકાસ કામો માટે રકમ ફાળવવા સૈદ્ધાંતિક અનુમોદન આપ્યું છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રી સમક્ષ શહેરી વિકાસ વિભાગની રજૂ થયેલી વિવિધ દરખાસ્તોમાંથી ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળના નવ ગામો પૈકીની સૂચિત નગર યોજના 31 અને વરતેજ ગામતળના વિસ્તારની ભૂગર્ભ ગટર યોજના માટે તેમણે 45.69 કરોડ રૂપિયા ફાળવવા અનુમતિ આપી છે. એટલું જ નહીં, નગરોમાં આગવી ઓળખના કામો પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મંજૂર કરવામાં આવ્યા છે.