લાયબ્રેરીઓમાં વિનામૂલ્યે રજિસ્ટ્રેશનનાં નિયમો
થેલેસેમીયા-જુવેનાઇલ ડાયાબીટીસના દર્દીઓ અને દિવ્યાંગોને મળશે લાભ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા સિનિયર સિટીઝન, દિવ્યાંગ સહિતના ખાસ નાગરિકો માટે લાઇબ્રેરી સેવા વિનામૂલ્યે જાહેર કરવામાં આવી છે. જોકે 60 વર્ષથી ઉપરના વડીલોને ફોર્મ સાથે સક્ષમ ઓથોરિટીનું સિનિયર સિટીઝન અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવા માટેની જોગવાઇ અગાઉ રાખવામાં આવી હતી. પરંતુ હવે લિવિંગ સર્ટી કે જન્મનું પ્રમાણપત્ર અથવા ભારત સરકારનું સૌથી મોટું ઓળખપત્ર ગણાતું આધાર કાર્ડ પણ આ લાભ માટે માન્ય રહેશે. થેલેસેમિયા, જુવેનાઇલ ડાયાબિટીસના દર્દીઓ અને દિવ્યાંગોને પણ આ સેવાનો લાભ મળશે.
સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા અનુસાર રાજકોટમાં મનપાના નવા બજેટમાં કરેલી જાહેરાતનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 60 વર્ષ ઉપરના સિનિયર સિટીઝન, દિવ્યાંગો, થેલેસેમીયા, જુવેનાઇલ ડાયાબિટીસના દર્દીઓને લાઇબ્રેરીમાં પુસ્તકનું સભ્યપદ ફ્રીમાં આપવાની અમલવારી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત મનપા સંચાલિત શહેરની તમામ લાયબ્રેરીમાં સિનિયર સિટીઝન, દિવ્યાંગો, થેલેસેમિયા, જુવેનાઇલ ડાયાબિટીસગ્રસ્તને પુસ્તકના સભ્યપદ માટે ચુકવવા પાત્ર રકમમાં મુક્તિ આપવામાં આવશે.
કોઈપણ લાયબ્રેરીમાં સભ્ય થવાનાં અરજીપત્રક માટેની રકમ (પુસ્તક માટે)ની હાલની ફી 5માંથી મુક્તિ, દાખલ ફી (પુસ્તક માટે)ની હાલની 15માંથી મુક્તિ, માસિક લવાજમ એક પુસ્તકની હાલની ફી 8માંથી મુક્તિ તેમજ માસિક લવાજમ 2 પુસ્તકની હાલની ફી 12માંથી પણ મુક્તિ આપવામાં આવશે. અગાઉ આ માટે સિનિયર સિટીઝન નાગરીકોએ સક્ષમ ઓથોરીટીનું પ્રમાણપત્ર રજૂ કરવાની જોગવાઈ હતી. પરંતુ હવે આ માટે જન્મતારીખ દર્શાવતા કોઈપણ દસ્તાવેજોને માન્ય રાખવાનો નિર્ણય લેવાયો છે.