જો આરોગ્ય મંત્રી એકવાર સિવિલની મુલાકાત લે તો ઘણી હકીકતો બહાર આવે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્રભરની એક માત્ર એવી રાજકોટની સિવિલ હોસ્પિટલ વધુ એક વખત સ્વચ્છતાને લઈને ઝીરો સાબિત થઈ છે. સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા તો શું પરંતુ દર્દીઓ સાથેની પણ બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં આવેલી લેબ.માં અનેકવાર લિફ્ટ બંધ પડી જતી હોય છે ત્યારે વધુ એક વખત સિવિલની લેબ.માં લિફ્ટ બંધ હાલતમાં છે ત્યારે છેલ્લા ઘણા સમયથી બ્લડના સેમ્પલ ડોલથી ઉપરના માળે ખેંચવામાં આવે છે જે સાબિત કરે છે સિવિલના ધાંધિયા.
- Advertisement -
વધુમાં કરોડોના ખર્ચે સિવિલમાં અનેક આધુનિક વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે પરંતુ સુવિધાના નામે હંમેશા ધાંધિયા જ હોય છે. સિવિલની લેબ.માં આવેલી લિફ્ટ અવારનવાર બંધ પડી જતી હોય છે ત્યારે પગથિયા ચડવા ન પડે તે માટે બ્લડના સેમ્પલ ડોલમાં દોરડું બાંધી ઉપર મોકલવામાં આવે છે એટલું જ નહીં પરંતુ હાઈડ્રોલિક લિફ્ટ બનાવવાના મોટા-મોટા બણગાં તો ફૂંકે છે તંત્ર પરંતુ આજદિન સુધી હાઈડ્રોલિક લિફ્ટના કોઈ ઠામ-ઠેકાણા નથી. અવ્યવસ્થા અંગે જ્યારે ત્યાંના જવાબદાર અધિકારીઓ કે ડોકટરોને પૂછવામાં આવે ત્યારે ઉડાઉ જવાબ આપી ત્યાંથી રવાના કરી દેવામાં આવતા હોય છે. દર્દીઓને પણ વધુ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ગંદકીની વાત કરવામાં આવે તો સિવિલમાં આવેલ કુવો જે ઢાંકવામાં તો આવ્યો છે પરંતુ તેમાં ગંદકી અને કચરો ભરાયેલો પડ્યો છે જેના કારણે આરોગ્ય બગડે તેવી પણ ભીતિ સેવાય છે. વખતોવખત રાજકોટની સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવતી હોય છે પરંતુ આરોગ્ય તંત્ર જાણે ગાંધીજીના ત્રણ વાંદરા હોય તેમ વર્તન કરી રહ્યા છે. ખરેખર તો આરોગ્ય મંત્રી ખુદ આવીને જો સિવિલની મુલાકાત લે તો જ સાચી હકીકત સામે આવે તેમ છે!
સિવિલની વધુ એક લાપરવાહી: દર્દીનું પાર્કિંગમાં મૃત્યુ
રાજકોટની સિવિલ હોસ્પિટલ સ્વચ્છતામાં તો મીંડુ છે પણ દર્દીઓની સારવાર કરવામાં પણ ધાંધિયા છે ત્યારે વધુ એક બેદરકારી સિવિલમાં સામે આવી છે. સિવિલમાં દર્દીને દાખલ ન કરવામાં આવતા આ દર્દીને પાર્કિંગમાં જ રાતવાસો કરવાનો વારો આવ્યો હતો અને જેના કારણે આ દર્દીનું સવારે પાર્કિંગમાં જ મોત થયું હતું, એટલું જ નહીં પરંતુ આ અંગે જવાબદાર ડોકટરને પૂછવા જતાં સમગ્ર હકીકત જણાવવાનું તો એકબાજુ રહ્યું પરંતુ પત્રકારો સામે રાક્ષસ જેવું વર્તન કરી રહ્યા છે. તો આ અંગે ડોકટરો સામે પણ યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.