પોલીસની ઓડખ આપી આચરેલું કૃત્ય સીસીટીવીમાં કેદ : ચારની શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે ઉંચો જઈ રહ્યો છે ત્યારે શાકભાજીના ધંધાર્થી પાસેથી જુગારની ઉઘરાણીના 22 લાખ મામલે ચાર શખસોએ પોલીસની ઓળખ આપી ધંધાર્થીનું અપહરણ કરી રેસકોર્ષ લઈ જઈ પટ્ટા અને ઢીકાપાટુંનો માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ચારેયની શોધખોળ હાથ ધરી છે. કોઠારીયા રોડ પર રામેશ્વર સોસાયટીમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતાં રવિ રમેશભાઈ ધાંગીયા ઉ.25 નામના યુવકનું સહકાર મેઈન રોડ પર આવેલ ચાની હોટેલ પરથી ભાર્ગવ ચોટલીયા, ધુવરાજ અને બે અજાણ્યા શખસોએ વાહનમાં અપહરણ કરી રેસકોર્ષ પાસે લઈ જઈ પટ્ટા અને ઢીકાપાટુનો માર મારતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ખાનગી હોસ્પિ.માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે પિતાએ ભકિતનગરને જાણ કરતાં પીએસઆઈ વી.એલ.રાઠોડ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ભાર્ગવ ચોટલીયાનું ઓનલાઈન જુગારનું આઈડી રવિ વાપરતો હતો જેમાં ભાર્ગવને રવિ પાસેથી 22 લાખ લેવાના હોવાથી તેની ઉઘરાણી કરવા ધ્રુવરાજે પ્રથમ સાઈબર ક્રાઈમ પોલીસ તરીકેની ઓળખ આપી રવિના ભાઈ કિશનને ધમકાવ્યો હતો બાદમાં અપહરણ કરી મારકુટ કરી હતી બનાવના ઓડિયો-વિડીયો વાયરલ થતા ભકિતનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



