ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઉલટીનું નાટક કરી મુસાફરોને લૂંટી લેતી ગેંગને ઝડપી પાડી છે. શિવાજીનગર-2માં રહેતા અજય રાજુ મકવાણા, મનહરપરા-1માં રહેતા સાગર ધીરૂ રાઠોડ અને નવયુગપરા-1ના ઇલ્સાય ગુલામહુશેન પીઠડિયાની આજી ડેમ ચોકડી પાસેથી ક્રાઇમ બ્રાંચે રિક્ષા તેમજ રોકડા રૂ.22 હજાર સાથે ધરપકડ કરી છે. પકડાયેલી ત્રિપુટીની પૂછપરછમાં ચાર બનાવના ભેદ ઉકેલાયા છે. જેમાં બે બનાવની ફરિયાદ નોંધાઇ હતી. જ્યારે બે બનાવની ફરિયાદ થઇ ન હતી. તે પૈકી એક પાંચ દિવસ પહેલા મવડી ચોકડીથી દંપતીને રિક્ષામાં બેસાડ્યા બાદ વૃદ્ધના ખિસ્સામાંથી 20 હજારની તફડંચી કર્યાની કબૂલાત આપી હતી.પોલીસે તપાસ કરતા કોડીનારના ચૌહાણની ખાણ ગામે રહેતા ભીખાભાઇ મોહનભાઇ ગોઢાણિયા નામના વૃદ્ધ ભોગ બન્યાનું જાણવા મળ્યું હતું. જેના આધારે વૃદ્ધની માલવિયાનગર પોલીસે ફરિયાદ નોંધી છે. વૃદ્ધની ફરિયાદ મુજબ, રાજકોટ રહેતા સાઢુભાઇની તબિયત ખરાબ થઇ હોય પોતે પત્ની સાથે તા.1ના રોજ રાજકોટ આવ્યા હતા. મવડી ચોકડી ઉતર્યા બાદ રિક્ષામાં સાઢુભાઇના ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે અધવચ્ચે બાજુમાં બેઠેલા અન્ય એક મુસાફર ઊલટી કરવાના બહાને પોતાના પર પડ્યો હતો. બાદમાં ઉમિયા ચોક આવતા રિક્ષામાંથી નીચે ઉતર્યા હતા. હજુ તેને ભાડું ચૂકવવા ખિસ્સામાં હાથ નાંખ્યો ત્યાં જ ચાલકે રિક્ષા ભગાવી મૂકી હતી. ત્યારે ખિસ્સામાં રાખેલા રોકડા રૂ.20 હજાર ગાયબ હતા. રોકડા રૂપિયા રિક્ષામાં સવાર ગઠિયાઓએ જ સરવૈયા હોવાની ખબર પડી હતી. પકડાયેલી ત્રિપુટી પૈકી અજય મકવાણા સામે અગાઉ ચાર અને સાગર રાઠોડ સામે બે ગુના નોંધાયા છે.
આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ
ઝડપાયેલી ત્રિપુટી પૈકી અજય મકવાણા સામે એ ડિવિઝન અને થોરાળા પોલીસ સ્ટેશનમાં કુલ ચાર અને સાગર રાઠોડ નામના આરોપી સામે બી ડિવિઝનમાં એક અને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એક કેસ નોંધાયેલો છે.