રાજ્યમાં અવાર-નવાર પોલીસ દ્વારા સત્તાનો દુરૂપયોગ કર્યાના સમાચાર સામે આવતા હોય છે. પોલીસની દાદાગીરીના કારણે અનેકવાર સામાન્ય લોકો પરેશાન થતા હોય છે. એવામાં આવો જ વધુ એક ગંભીર કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. જ્યાં એક મહિલા ટ્રાફિક પોલીસકર્મી પોતાની સત્તાનો દુરૂપયોગ કરી જાહેરમાં એક યુવકને માર મારતી જોવા મળી રહી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી.
શું હતી ઘટના?
- Advertisement -
મળતી માહિતી મુજબ, આ ઘટના ગત 18 નવેમ્બરે શહેરના મુખ્ય ગણાતા યાજ્ઞિક રોડ પર બની હતી. વિવાદનું મુખ્ય કારણ કાર પાર્કિંગનો મુદ્દો હોવાનું સામે આવ્યો છે. ઘટનાને લઈને સ્થાનિક લોકોને આક્ષેપ છે કે, કારના માલિકે નો-પાર્કિંગમાં પાર્કિંગ કર્યું નહતું, તેમ છતાં ટ્રાફિક પોલીસ દ્વારા તેને લોક મારી દેવાયું. કાર માલિકે જ્યારે આ બાબતે દલીલ કરી અને પોલીસની કાર્યવાહીનો વીડિયો બનાવવાનો શરૂ કર્યો, તો મહિલા ટ્રાફિક પોલીસ રોષે ભરાઇ અને ગાડીમાંથી બહાર આવી જાહેરમાં યુવકને ત્રણથી ચાર લાફા ઝીંકી દીધા હતા. સ્થાનિકોનો આરોપ છે કે, મહિલા પોલીસકર્મી દ્વારા ગાળો પણ ભાંડવામાં આવી હતી.
મહિલા ટ્રાફિક પોલીસકર્મીની દાદાગીરીની આ સમગ્ર ઘટના સ્થળ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયો વાઈરલ થયા બાદ ટ્રાફિક પોલીસકર્મીની વર્તણૂક ફરી એકવાર વિવાદનું કારણ બની છે.
પોલીસે હાથ ધરી તપાસ
- Advertisement -
નોંધનીય છે કે, પોલીસ વિભાગે આ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે. હવે આ વાઈરલ ફૂટેજ અને CCTVના આધારે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવશે. ફરજ પરના પોલીસકર્મી સામે શું પગલાં લેવામાં આવે છે, તે જોવું મહત્ત્વનું રહેશે.




