15થી વધુ આવાસ યોજનાનો ડ્રો થયો છતાં અરજદારોએ આજ સુધી પૈસા ન ભરતા નિર્ણય લેવાયો.
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં ગરીબ અને મધ્યમ પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેક આવાસ યોજનાઓ બનાવી છે. આવાસ યોજનામાં અરજદારોએ ફોર્મ ભર્યા બાદ ડ્રો કરવામાં આવતો હોય છે. છેલ્લા એક વર્ષમાં 15થી વધુ આવાસ યોજનાનો ડ્રો કરવામાં આવ્યા છે. પરંતુ આજ સુધી 660થી વધુ અરજદારોએ પૈસા ન ભરી એલોમેન્ટ પેપર લેવાનું માંડી વાળતાં કોર્પોરેશને આ પ્રકારના તમામ આવાસો ખાલી કરવાનો નિર્ણય લીધો છે.
જેના માટે અરજદારોને સાત દિવસનો સમય આપવામાં આવ્યો હોવાનું આવાસ યોજના વિભાગમાંથી જાણવા મળ્યું છે. આ આવાસમાં 80 કરોડ રૂપિયા અટવાયા છે. રાજકોટ શહેરમાં છેલ્લા એક વર્ષમાં 15થી વધુ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી તેમજ સ્માર્ટઘર યોજના અંતર્ગત આવાસ યોજનાનો ડ્રો કરવામાં આવ્યો છે. પરંતુ 15થી વધુ આવાસ યોજનાના ડ્રો થયાને એક વર્ષ થયું છતાં 660થી વધુ અરજદારોએ આજ સુધી પૈસા ભર્યા નથી અને એલોમેન્ટ પેપર લેવા આવ્યા ન હોય આ પ્રકારના તમામ આવાસો ખાલસા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


