- ભોગ બનનાર દીકરીને 3 લાખ વળતર ચૂકવવા સ્પેશ્યલ પોકસો કોર્ટનો હુકમ
ખાસ-ખબર સંવાદદાતા
આ કેસની હકીકત એવા પ્રકારની છે કે તા. 14/10/ર019 ના રોજ શરદપૂનમના દિવસે ભોગ બનનાર આઠ વર્ષીય બાળકી પોતાના દાદી સાથે માતાના ગરબા જોવા ગયેલ હતી અને ત્યાંથી રાત્રીના નવ વાગ્યા બાદ બન્ને પાછા આવતા હતા ત્યારે આરોપી બાબુ દેવા બાંભવાએ દાદીને મોટર સાયકલ ઉપર મુકી જવા જણાવી બાળકીને પેટ્રોલની ટાંકી ઉપર બેસાડી દીધેલ અને પાછળની સીટમાં દાદી બેસવા જાય તે પહેલા મોટર સાયકલ ભગાડી મુકેલ આમ છતાં દાદીએ હાજર એક ઈસમને પોતાના દીકરાનો મોબાઈલ ફોન નંબર આપી બનાવની જાણ કરી હતી કલાકો સુધી બાળકીનો પતો લાગેલ ન હતો.
રૈયા ધાર ગામ પાસેથી બીજા રીંગ રોડ તરફથી રાજકોટ તરફ આવી રહેલ એક ફોરવ્હીલ ડ્રાઈવરે મોડી રાત્રે આઠ વર્ષની આ બાળકીને રસ્તા ઉપર રોતા રોતા જઈ રહેલ જોતાં આ ઈસમે બાળકીને બનાવ અંગે પુછતા તેણીએ પોતાના ઉપર દુષ્કર્મ થયેલ હોવાનું જણાવેલ. આથી આ અજાણ્યા ઈસમે પોલીસને જાણ કરી બાળકીનો કબ્જો પોલીસને સોંપેલ હતો પોલીસને આ બાળકી ઉપર દુષ્કર્મ થયેલ હોવાનું જણાતા બાળકીને તુરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ જયાં ડોકટરે દુષ્કર્મ થયાનું જણાવ્યું હતું.
આ કેસ ચાલી જતા બચાવ પક્ષ તરફથી પોલીસ તપાસ દરમ્યાનની પ્રોસીજરમાં અનિયમીતતાઓ જણાવી આરોપી સામેનો કેસ પુરવાર થતો ન હોવાની રજુઆત કરેલ હતી આ ઉપરાંત ભોગ બનનાર અને આરોપીના લોહીના જે નમુનાઓ લેવામાં આવે તે દસ્તાવેજો તેમજ ભોગ બનનારની જન્મ તારીખનો દસ્તાવેજ પુરાવા અધિનિયમની જોગવાઈઓ મુજબ યોગ્ય રીતે અને જરૂરી સાહેદોની જુબાની વીના સાબીત માનવામાં આવેલ છે.
- Advertisement -
આ સાબીતી કાયદા મુજબ માન્ય ન હોય તેથી આરોપીને તકસીરવાન ઠરાવી શકાય નહીં સરકાર તરફે આ કિસ્સામાં ખાસ પબ્લીક પ્રોસીકયુટર તરીકે નિમાયેલ એસ. કે. વોરાએ રજુઆત કરેલ હતી કે આઠ વર્ષની બાળકી તદૃન એકાકી અને ઉજજળ વિસ્તારમાંથી રસ્તા ઉપર રોતા રોતા નિકળેલ હોવાની હકીકત જયારે બીન તકરારી હોય ત્યારે તેણી ઉપર દુષ્કર્મ થયાનું અનિવાર્યપણે સાબીત થાય છે.
પ્રોસીકયુશને આ કેસમાં બાળકી ઉપર કયા ઈસમે દુષ્કર્મ કરેલ છે તેટલુ જ સાબીત કરવાનું રહે છે. આ કેસમાં ભોગ બનનાર બાળકીએ આરોપીને અદાલતમાં ઓળખી બતાવેલ છે તેમજ આ આરોપીના લોહી અને સીમેન બાળકીના કપડા ઉપર મળી આવેલ છે. હાલના યુગમાં જયારે વૈજ્ઞાનિક પુરાવાઓ ઉપલબ્ધ હોય ત્યારે પોલીસ તપાસ દરમ્યાનની પ્રોસીઝરમાં અનિયમીતતા કે સાહેદોની સોગંદ ઉપરની જુબાનીમાં નજીવા વિરોધાભાસનું કોઈ જ મહત્વ રહેતુ નથી.
આ ઉપરાંત આઠ વર્ષની ભોગ બનનાર બાળકીએ આરોપીને કોર્ટ સમક્ષ ઓળખી બતાવેલ છે ત્યારે આવી ઓળખ ખોટી થયેલ હોવાનું માનવા માટે બચાવ પક્ષે કોઈ જ કારણ જણાવેલ નથી. સરકાર તરફેની આ તમામ દલીલોના અંતે પોકસો અદાલતના ખાસ જજ જે. ડી. સુથારે આરોપી બાબુ દેવા બાંભવાને અંતિમ શ્વાસ સુધી સખ્ત કેદની સજા અને રૂા. 10000 નો દંડ ફરમાવેલ છે. આ ઉપરાંત ભોગબનનારને રૂ. 300000/-નું વળતર અપાવવા પણ ખાસ અદાલતે હુકમ કરેલ છે