પાલિકાનું તંત્ર અને પાણી પુરવઠા બોર્ડના સંકલનના અભાવે લોકોને પાણી માટે મારવા પડે છે વલખા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.27
- Advertisement -
પોરબંદરને પીવાનું પાણી પુરૂ પાડતાં ફોદાળા અને ખંભાળામાં જુલાઇ મહિના સુચી એટલે કે ચોમાસા સુધી ચાલે તેટલું પાણી હોવા છતાં તંત્ર પાણી પુરૂ પાડવામાં વામણું સાબીત થઇ રહ્યું છે. પાણી પુરવઠા બોર્ડ અને નગરપાલિકાના તંત્ર વચ્ચે સંકલનના અભાવે શહેરમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઇ રહી છે. પોરબંદરના સામાજીક કાર્યકર દિલીપભાઇ મશરૂ દ્વારા પાણીના પ્રશ્ને રજૂઆત કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે જિલ્લામાં ગત વર્ષે સારો એવો વરસાદ થયો હતો. જેના કારણે પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત પાલિકાનું તંત્ર અને પાણી પુરવઠા બોર્ડના ખંડાળા અને ફોદાળા ડેમ છલોછલ ભરાયા હતાં. વર્ષભર પુરતું પાણી મળી રહે તેવી આશા શહેરીજનોમાં સેવાય હતી. પરંતુ ઉનાળાના પ્રારંભ સમયથી જ પીવાના પાણીની સમસ્યા દિવસે ને દિવસે વિકટ બની રહી છે.
નગરપાલિકાની કચેરી ખાતે પણ પીવાના પાણીની અનેક ફરિયાદો આવી રહી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં પીવાના પાણીના પોકાર ઉઠ્યા છે. નગરજનો સમયસર પીવાનું પાણી પુરૂ પાડવામાં આવતું ન હોવાના કારણે મુંઝવણમાં મુકાઇ રહ્યાં છે. મહિલાઓને પણ પીવાના પાણી માટે પારવાર હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. પોરબંદરમાં પીવાના પાણીની સમસ્યા ગંભીર બની છે ત્યારે પાણી પુરવઠા બોર્ડ અને નગરપાલિકાના તંત્રનો સંકલનનો અભાવ હોવાનું દિલીપભાઇ મશરૂ જણાવ્યું છે અને ભુતિયા નળ કનેક્શનોની તપાસ કરવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી છે.