રજૂઆત કરવા ગયેલા ગ્રામજનોને પોલીસ મથકમાં પ્રવેશબંધી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
- Advertisement -
ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામમાં દેશી દારૂના ગેરકાયદેસર વેચાણે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. વર્ષોથી ખુલ્લેઆમ ચાલી રહેલા દારૂના ધંધા સામે કોઈ કાર્યવાહી ન થતાં બૂટલેગરો બેફામ બન્યા છે અને સમગ્ર ગામમાં અશાંતિ, ભય અને અસુરક્ષા વ્યાપી ગઈ છે. ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. ગ્રામજનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે દારૂ વેચતા બૂટલેગરોને સ્થાનિક પોલીસનું ખુલ્લેઆમ પ્રોટેક્શન મળતું હોવાથી તેઓ કાયદાને પગલાં નીચે કચડી રહ્યા છે. જ્યારે પણ ગામના શાંતિપ્રિય નાગરિકો દારૂના અડ્ડા બંધ કરાવવા માટે અવાજ ઉઠાવે છે ત્યારે બૂટલેગરો દ્વારા ખોટી એટ્રોસિટી સહિતની ખોટી ફરિયાદો કરી ગ્રામજનોને ડરાવવામાં, ધમકાવવામાં આવે છે. આ તમામ બાબતોને લઈને આક્રોશિત ગ્રામજનો મોટી સંખ્યામાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પોલીસ પાસેથી ન્યાય મળવાને બદલે અપમાનનો સામનો કરવો પડ્યો હોવાનો ગંભીર આરોપ ગ્રામજનોએ લગાવ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ પીએસઆઈ ડી.એચ.ચૌહાણે ઉદ્ધત અને અસંવેદનશીલ વર્તન કર્યું હતું અને રજૂઆત સાંભળવાની તો દૂર, પોલીસ મથકમાં પ્રવેશ પણ ન આપ્યો. પોલીસના આ વલણથી રોષે ભરાયેલા ગ્રામજનોએ પોલીસ મથકની બહાર ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગ્રામજનોએ ખુલ્લેઆમ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પીએસઆઈ પોતે જ બૂટલેગરોને છાવરી રહ્યા છે, જેના કારણે નવલગઢ ગામ દારૂના અડ્ડાઓનું કેન્દ્ર બની ગયું છે. આ તરફ ગ્રામજનો દ્વારા પ્રશાસન સામે અનેક સવાલ કર્યા હતા જેમાં ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં નવલગઢમાં દારૂ કોના આશીર્વાદથી વેચાય છે? શું કાયદો માત્ર સામાન્ય નાગરિકો માટે છે? પોલીસની જવાબદારી રક્ષણની છે કે ગુનેગારોને બચાવવાની ? ત્યારે હાલ ગ્રામજનોએ જિલ્લા પોલીસ વડા, ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લા પ્રશાસનને ચેતવણી આપતા માંગ કરી છે કે આ મામલે તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે, નવલગઢમાં ચાલતા તમામ દારૂના ગેરકાયદેસર અડ્ડાઓ તાત્કાલિક બંધ કરાવવામાં આવે અને બૂટલેગરોને છાવરી રહેલા જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે. અન્યથા ગ્રામજનો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપી છે.



