ટિકટોક પર બંનેની લવસ્ટોરી શરૂ થઈ હતી
ખાસ-ખબર સંવાદદાતા
નાશિકમાં પંદર દિવસ પહેલા થયેલા લગ્ન અચાનક ચર્ચામાં છે. નાશિક જિલ્લાના મનમાડ ખાતે એક યુવકે પૂર્ણ રીતિરિવાજ સાથે એક કિન્નર સાથે લગ્ન કર્યા હતા. એમાં કુટુંબીઓએ પણ કિન્નરવહુને ખુલ્લા દિલથી સ્વીકારી છે. પંદર દિવસ પછી પણ કિન્નરવહુને મળવા દરરોજ એમના ઘરે લોકો આવે છે. મનમાડના રહેવાસી સંજય ઝાલટેએ સમાજ અને લોકોની પરવા કર્યા વિના 15 જૂન 2021ના લક્ષ્મી નામના કિન્નર સાથે લગ્ન કરીને એને પોતાની જીવનસંગિની બનાવી હતી. કોરોના સંક્રમણના સમયમાં આ લગ્ન મંદિરમાં સંપન્ન થયા હતા.
આ લગ્નમાં વધુ લોકો હાજર નહોતા. જોકે ઉપસ્થિત તમામ લોકોએ આ દંપતિને આશીર્વાદ આપ્યા હતા. આ લગ્ન કરીને પોતે સમાજમાં એક સંદેશ આપવા માગે છે એમ સંજયે જણાવ્યું હતું. સંજય ઝાલટેની ઓળખાણ શિવલક્ષ્મી કિન્નર સાથે ટિકટોક થકી થઈ હતી. થોડા દિવસમાં ઓળખાણ પ્રેમમાં પલટાઈ અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. સંજયે આ વાત પોતાની માતાને કરી એ પછી તેઓ માગુ લઈને શિવલક્ષ્મી પાસે ગયા હતા. શિવલક્ષ્મીએ હોકાર આપ્યા બાદ બંનેના લગ્ન મનમાડના પ્રાચીન શિવમંદિરમાં થયા.
- Advertisement -
આ લગ્નમાં શિવલક્ષ્મીના કેટલાક કિન્ર સાથીઓ પણ જોડાયા હતા.
એક આદર્શ સમાજ સમક્ષ મૂક્યો
કિન્નર પણ આખરે તો એક માણસ છે. તેમની પણ પોતાની જિંદગી હોય છે. એમની સાથે લગ્ન કરવામાં શો વાંધો હોય? એમ જણાવતા સંજયે નવી જિંદગીની શરૂઆત કરતા એક પંક્તિ કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના ગુનગુનાવી હતી. સંજયની માતાએ જણાવ્યું કે મારા પુત્રએ એક કિન્નર સાથે લગ્ન કર્યા એ સાંભળીને કંઈક અજીબ લાગે છે. પણ બંનેએ લગ્ન કરીને સમાજ સમક્ષ આદર્શ રજૂ કર્યો છે એ પણ એક હકીકત છે.