કતલની રાત્રે મતદારોને રીઝવવા છાનેખૂણે તમામ રાજકીય સોગઠાબાજી ખેલાશે
સુરક્ષા માટે SP, PI, PSI સહિત બે હજારથી વધુ પોલીસ, હોમગાર્ડ અને અર્ધ લશ્કરી દળ તૈનાત રહેશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભાની ચૂંટણીમાં મોરબી જીલ્લાની ત્રણેય બેઠકો પર ઉમેદવારોએ જોરશોરથી પ્રચાર કર્યા બાદ લોકશાહીનું પર્વ ઉજવવાની ઘડી નજીક આવી જતા હવે આજે મંગળવારે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે અને ચૂંટણીની આચાર સંહિતા અમલી બનતા તમામ રાજકીય પક્ષની પ્રચાર સામગ્રી હટાવી દેવામાં આવશે અને જાહેર સભાઓ તેમજ પ્રચારના ભૂગળા શાંત થયા બાદ રાજકીય પક્ષો ડોર ટુ ડોર પ્રચાર અને આજે તથા કાલે કતલની રાત્રિમાં મતદારોની રીઝવવા છાને ખૂણે તમામ રાજકીય સોગઠાબાજી ખેલાશે. આ દરમિયાન ચૂંટણીના છેલ્લા 48 કલાકમાં ચૂંટણી તંત્રની બાજ નજર રહેશે અને ક્યાંય પણ ચૂંટણીની આચાર સંહિતાનો ભંગ થશે તો ચૂંટણી તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મોરબી-માળીયા, વાંકાનેર-કુવાડવા અને ટંકારા-પડધરી એમ ત્રણ બેઠકોમાં ચૂંટણી લડતા 35 ઉમેદવારોના ભાવિનો ફેસલો ગુરુવારે 8 લાખથી વધુ મતદારો કરશે જેમાં મોરબી જીલ્લાની ત્રણેય બેઠક પર કુલ 8,17,761 મતદારો મતદાન કરશે જેમાં 4,22,277 પુરુષ અને 3,95,480 સ્ત્રી મતદારો મતદાન કરશે. આ ઉપરાંત મોરબી-માળીયા બેઠકમાં 1,48,780 પુરુષ, 1,38,057 સ્ત્રી અને અન્ય 3 મળી કુલ 2,86,840 મતદારો નોંધાયા છે જયારે ટંકારા પડધરી બેઠકમાં 1,28,180 પુરુષ, 1,21,328 સ્ત્રી મળી કુલ 2,48,508 મતદારો નોંધાયા છે તેમજ વાંકાનેર કુવાડવા બેઠક પર 1,45,317 પુરુષ, 1,36,095 સ્ત્રી અને અન્ય એક મળી 2,81,413 મતદારો નોંધાયા છે.
મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એડીચોટીનું જોર લગાવી દીધું છે અને મોરબી બેઠક પર ભાજપના કાંતિ અમૃતિયા, કોંગ્રેસના જયંતિ પટેલ સહિત 17, વાંકાનેર બેઠકમાં ભાજપના જીતુ સોમાણી, કોંગ્રેસના મહંમદ જાવીદ પીરજાદા સહિત 13 અને ટંકારા બેઠકના ભાજપના દુલર્ભજી દેથરીયા અને કોંગ્રેસના લલિત કગથરા સહિત 5 ઉમેદવારોના ભાવિ એક ડિસેમ્બરે એટલે કે ગુરુવારે યોજાનાર ચૂંટણીના ઈવીએમમાં કેદ થશે. મોરબી જિલ્લાની ત્રણ બેઠકોમાં કુલ 906 બુથમાં મોરબીના બુથ 299, સ્થળ 159, ટંકારાના બુથ 300, સ્થળ 195, વાંકાનેરના બુથ 307, સ્થળ 199 મળી કુલ 906 બુથના ટોટલ સ્થળ 553 માં મતદાન પ્રક્રિયા થશે જ્યારે ચૂંટણી બંદોબસ્ત માટે મોરબી જીલ્લામાં એક એસપી, ત્રણ ડીવાયએસપી, 17 પીઆઈ, 26 પીએસઆઈ, 73 એએસઆઈ/હેડ કોન્સ્ટેબલ, 1055 પોલીસ જવાન, 1166 હોમગાર્ડ અને 129 અર્ધ લશ્કરી દળ તૈનાત રહેશે.