લલુડી વોંકળી વિસ્તારના લોકોએ હાથમાં કુહાડી, પાવડા લઈ હાથે પાણી ઉલેચ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ત્રણ દિવસ સુધી પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. એમાંનું એક છે શહેરના સોરઠિયાવાડી સર્કલ પાસે આવેલો લલુડી વોકળી વિસ્તાર, જ્યાં વરસાદને કારણે 15 ફૂટ જેટલાં પાણી ભરાઈ ગયાં હતાં અને એને કારણે ત્યાં ઘરોમાં રહેતા 2000 જેટલા લોકો ફસાઇ ગયા હતા. જોકે આજે આ વિસ્તારમાંથી ધીમે ધીમે પાણી ઊતરી રહ્યું છે. મિડીયાની ટીમ જ્યારે આ વિસ્તારમાં પહોંચી તો લોકોએ પોતાની વેદના જણાવતાં કહ્યું હતું કે આ વિસ્તારમાં કોઈ જ પ્રકારની વ્યવસ્થા નથી. દર વર્ષે વરસાદમાં પાણી ભરાઈ જાય છે.
- Advertisement -
જોખમી રીતે પાણી ભરાઇ જતાં લોકોને અનેક દિવસો સુધી મુશ્કેલી વેઠવી પડે છે. એના માટે તંત્ર દ્વારા એકપણ વખત કાયમી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. 50 વર્ષથી વધુ સમયથી સ્થિત આ વોકળીના લોકોએ ઓફ કેમેરા પોતાની હૈયાવરાળ ઠાલવતાં કહ્યું હતું કે નેતાઓ આ વિસ્તારમાં મત લેવા માટે તો આવે છે, પરંતુ અહીંની સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી.
રાજકોટની લલુડી વોકડીમાં છેલ્લાં 25 વર્ષથી વધુ સમયથી રહેતા અમૃતલાલ પટેલે જણાવ્યું હતું કે વરસાદમાં અહીં ખૂબ જ તકલીફ પડે છે, શેરીમાં પાંચ ફૂટથી વધુ પાણી ભરાઈ જાય છે અને ઘરમાં પણ પાણી ઘૂસી જતાં ખૂબ જ મુશ્કેલી પડે છે. છેલ્લા ત્રણ દિવસથી લલુડીના તમામ રસ્તાઓ બંધ છે. આજે થોડી રાહત થઈ હોવાથી અમે અમારી સાથે પાણીનો નિકાલ કરીએ છીએ. ઘરની બહાર નીકળી શક્યા નથી. અહીં કોઈ અમારી સમસ્યા દૂર કરવા માટે પણ આવ્યું નથી. દર વર્ષે આ તકલીફ પડે છે.