ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
રાજકોટ શહેરમાં જમીનના ભાવ આસમાને પહોંચી જતાં ભુમાફીયાઓએ સરકારી જમીન પર દબાણ કરવા લાગ્યા છે. લોકસભાની ચૂંટણીને કારણે સરકારી જમીન પર થયેલ દબાણો હટાવવાની કામગીરી પર રોક લગાવી દેવામાં આવી હતી. પરંતુ ચૂંટણી પૂર્ણ થતાં અને આચાસંહિતા હટી જતાની સાથે જ જિલ્લા કલેકટર પ્રભવ જોષીની સુચનાથી સરકારી જમીન પર થયેલા દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે સતત બીજા દિવસે તાલુકા મામલતદારે કોઠારીયા ગામ નજીક સરકારી જમીન પર થયેલ દબાણો દૂર કરી 50 કરોડની જમીન ખુલ્લી કરાવી હતી. રાજકોટનાં ઝડપી વિકાસ પામતા કોઠારીયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભુમાફીયાઓએ સરકારી જમીન દબાણ કરી કારખાના, ગેરેજ, મકાનો, દુકાનો ઉભી કરી બારોબર વેચી નાખી હોવાનું જિલ્લા કલેકટરના ધ્યાન પર આવતાં કલેકટર પ્રભવ જોષીએ આ બાબતે તપાસ કરવા તાલુકા મામલતદારને આદેશ આપ્યા હતાં.
- Advertisement -
તાલુકા મામલતદાર મકવાણા, નાયબ મામલતદાર રઘુવીરસિંહ વાઘેલા, કિરીટસિંહ ઝાલા, સર્કલ ઓફિસર કથીરિયા અને તલાટી મંત્રી કલ્પનાબેન દ્વારા તપાસ કરતાં કોઠારીયા નજીક સ્વાતી પાર્ક મેઈન રોડ પર આવેલ સર્વે નં.163ની 16000 ચો.મી.સરકારી જમીનમાં ભુમાફીયાઓએ દબાણ કરી રાતોરાત કારખાના, દુકાન, મકાન અને ગેરેજ બનાવી વેચી નાખ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે દબાણકર્તાઓને આખરી નોટિસ ઈસ્યુ કરવામાં આવી હતી. પરંતુ લોકસભાની ચૂંટણી હોય અને આચાર સંહિતા અમલમાં હોય દબાણ હટાવવાની કામગીરી અટકાવી દેવામાં આવી હતી.
ચૂંટણી પુરી થતાની સાથે જ કલેકટર પ્રભવ જોષીના આદેશથી ગઈકાલે તાલુકા મામલતદારે વાવડીમાં ઓપરેશન હાથ ધરી 50 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવ્યા બાદ આજે સતત બીજા દિવસે તાલુકા મામલતદાર મકવાણા સહિતનો કાફલો વહેલી સવારે કોઠારીયા ગામે ત્રાટકયો હતો અને સરકારી જમીન પર થયેલા દબાણો પર બુલડોઝર ફેરવી દઈ જમીન ખુલ્લી કરાવી દીધી હતી.