રસ્તા,ગટર અને સફાઇ મુદે ભાજપનાં કોર્પોરેટર આકરા પાણીએ
BU સર્ટી અને 260(2)નો કોંગ્રેસની દરખાસ્ત પર કોઇ જ ચર્ચા ન કરી : બોર્ડ હજુ પ્રાથમિક સુવિધામાં જ અટવાયું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલીકાનું જનરલ બોર્ડ મળ્યું હતું. જેમાં રસ્તા, ગટર, સફાઇ, લાઇટ જેવા મુદે ભાજપનાં કોર્પોરેટરોએ અધિકારીઓ પર તડાપીટ બોલાવી હતી. તેમજ બોર્ડમાં કોંગ્રેસની બીયુ સર્ટી અને 260(2)ની દરખાસ્ત પર ચર્ચા ન કરતા કોગી કોર્પોરેટર રોષે ભરાયા હતાં. આ દરખાસ્ત મેયરે કમિશ્નર તરફ રવાના કરી દીધી હતી.જોકે વર્ષો પછી પણ જૂનાગઢ મનપાનું બોર્ડ પ્રાથમિક સુવિધામાં જ અટવાયેલું છે. જોકે આજે બોર્ડમાં મનપાનાં કમિશ્નર ગેરહાજર રહ્યાં હતાં. જૂનાગઢ મહાનગર પાલીકાનું જનરલ બોર્ડ મેયર ગીતાબેન પરમારનાં અધ્યક્ષ સ્થાને શરૂ થયું હતું. જૂનાગઢ મનપાનાં બોર્ડમાં ભાજપની બહુમતી છે. ભાજપ પાસે 55 બેઠક છે. ભાજપ સત્તામાં હોવા છતા પણ ભાજપનાં જ કોર્પોરેટરોએ વિરોધ કરવો પડ્યો હતો. જૂનાગઢ મનપાનાં બોર્ડમાં રસ્તા, ગટર, સફાઇ અને લાઇટ મુદે ભાજપનાં કોર્પોરેટરોએ મનપાનાં શાખા અધિકારીઓનો ઉધળો લીધો હતો.
સમયસર કામ ન થતા હોવાનાં આક્ષેપ કર્યાં હતાં. બીજી તરફ કોંગ્રેસનાં કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ 260(2)ની દરખાસ્ત કરી હતી. જૂનાગઢમાં ગેરકાયદેસર બાંધકામ થયા છે તેની 260(2)ની નોટીસ આપવામાં આવી છે. પરંતુ આજ દિનસુધી કોઇ જ કાર્યવાહી થઇ નથી. ત્યારે બોર્ડમાં દરખાસ્ત કરી કાર્યવાહી કરવા માંગ કરી હતી. પરંતુ મેયર ગીતાબેન પરમારે 260(2)ની નોટીસની દરખાસ્ત કમિશ્નર તરફ રવાના કરી હતી. કોંગી કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ કહ્યું હતું કે, જૂનાગઢમાં બીયુ સર્ટી મુદે હોસ્પિટલ સહિતનાં બિલ્ડીંગ સીલ કરવામાં આવ્યાં છે. તેમા સમાનતા નથી. નાના લોકોની બિલ્ડીંગ સીલ કરાઇ છે. પરંતુ મોટાની હોસ્પિટલ સીલ કરવામાં આવ્યાં નથી. મનપાનાં બિલ્ડીંગ પાસે પણ બીયુ સર્ટી નથી. આજે મનપાનું મળેલું બોર્ડ હંગામા અને ઉગ્ર બોલાચાલી બાદ પૂર્ણ થયું હતું. મહત્વની વાત એ છે કે જૂનાગઢ કોેર્પોરેશન બન્યાને વર્ષો વિતી ગયા છે. પરંતુ આજે પણ બોર્ડમાં રસ્તા, લાઇટ, પાણી, સફાઇ જેવા મુદે ચર્ચા કરવામાં આવી રહી છે. એનો અર્થ એ છે કે જૂનાગઢ શહેર હજુ વિકાસની દિશામાં કેટલું પાછળ છે.
- Advertisement -
મેળા બાદ ભવનાથમાં સફાઇ ન થતા ભાજપનાં કોર્પોરેટરે રોષ ઠાલવ્યો
જૂનાગઢ મહાનગરપાલીકાની સાધારસભામાં ભાજપનાં કોર્પોરેટર એભા કટારાએ રોષ ઠાલવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, શિવરાત્રીનો મેળે પૂર્ણ થઇ ગયો છે. ભવનાથમાં સફાઇ થઇ નથી. લોકોએ મને રજુઆત કરી છે. મેળા બાદ અહીં કચરાનાં ઢગલા થયા છે. તાત્કાલીક સફાઇ નહીં થાય તો આંદોલન કરવાની ફરજ પડશે. તેમજ ભાજપમાં ભાજપનાં જ કોર્પોરેટરને ગણવામાં ન આવતા હોવાની વ્યથા ઠાલવી હતી. સતત અવગણનાં થતી હોવાનો આક્ષેપ કર્યો હતો. એભા કટારાની સફાઇની રજુઆતમાં અન્ય કોર્પોરેટર પણ જોડાયા હતાં.
વોર્ડનાં કોર્પોરેટરની અવગણના થતી હોવાનો આક્ષેપ
જૂનાગઢ મનપાનાં બોર્ડમાં ભાજપનાં કોર્પોરેટરોએ ગંભીર આક્ષેપ મુક્યાં હતાં. વોર્ડનાં ખાતમુહૂર્ત કે ઉદ્ધાટનનાં પ્રસંગમાં તે વોર્ડનાં કોર્પોરેટરને બોલાવવામાં કે જાણ કરવામાં આવતી નથી. ભાજપનાં શાસનમાં ભાજપનાં કોર્પોરેટરની અવગણના થતી હોવાનાં આક્ષેપો થયા હતાં.
લાઇટ મુદે કોઇ જવાબ આપતું નથી
કોર્પોરેટર અશોક ચાવડાએ લાઇટનો મુદે ઉઠાવ્યો હતો. તેમના વોર્ડમાં 100 જેટલી ફરિયાદ છે. પરંતુ અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ મળતો નથી. લાઇટને લઇ અશોક ચાવડાએ રોષ ઠાલવ્યો હતો.
કોંગી કોર્પોરેટર બોર્ડની ગરીમા જાળવે
બોર્ડમાં મેયરે મોટા ભાગની દરખાસ્ત કમિશ્નર તરફ રવાના કરતા કોંગી કોર્પોરેટર મંજુલાબેન પરસાણા રોષે ભરાયા હતાં. અને મેયરને બોલતા ન આવડતું હોવાનું કહ્યું હતું. જેના પગલે ભાજપનાં મહિલા કોર્પોરેટરોએ તેનો વિરોધ કર્યો હતો અને બોર્ડની ગરીમા જાળવા કહ્યું હતું.


