ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દ્વારા એક મહત્ત્વપૂર્ણ બેઠક 19 સપ્ટેમ્બરના રોજ ક્ધયા શાળા નં.4માં મળી હતી. આ બેઠકમાં પ્રતિષ્ઠાનના ઉપાધ્યક્ષ હર્ષદભાઈ શાહની પ્રેરણાથી સમગ્ર રાજ્યમાં જિલ્લા અને મહાનગરના સંયોજક – સહસંયોજકની નિયુક્તિ કરવામાં આવી હતી. આ બેઠકમાં આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લા અને શહેરમાં સંકલન કરીને ભાષા સજ્જતા, ભાષા સંવર્ધન અને ભાષા સંરક્ષણ અંતર્ગત કેવા કાર્યક્રમો યોજી શકાય તેની ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં ગુજરાતી ભાષાના શબ્દકોશનું ટોકન દરે વિતરણ, સ્કૂલ અને કોલેજમાં વર્ણમાલા,જોડણી,છંદ,સાહિત્ય જેવા વિષયોની કાર્યશાળા યોજવી, વાંચન શિબિર, પુસ્તક મેળો અને પ્રદર્શન, વોટ્સએપના જૂથમાં ભાષાપ્રેમી મિત્રોને જોડવા વગેરેનું સુચારુ અને નક્કર આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષા માટે કામ કરવાની તત્પરતા હોય તેઓ પ્રતિષ્ઠાનના ન્યાસી (ટ્રસ્ટી) એલ.વી.જોશીનો 9426225882 સંપર્ક સાધવા અનુરોધ કર્યો છે.