ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં થોડા દિવસ પહેલા દિવસે ઘરફોડી ચોરીના બે બનાવો સામે આવ્યા હતા જે બનાવને લઇને જૂનાગઢ ક્રાઇમ બ્રાંચે જીણવટભરી તપાસ શરૂ કરતા શહેરમાં થયેલ બે ઘરફોડ ચોરીના અનડીટેક ગુનાને ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી 3 શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ જે.જે.મહેતા, પીએસઆઇ જે.જે.ગઢવીએ શહેરમાં દિવસે ઘરફોડ ચોરી કરતી ગેંગને ઝડપી લેવામાં આવી હતી.
જેમાં ગત તા.2-8-23ના રોજ દાતાર રોડ પરના એક એપાર્ટમેન્ટમાં સોના ચાંદીના દાગીના સાથે રોકડ રૂપિયાની ચોરી થયેલ જયારે બીજો બનાવ તા.3ના રોજ બનેલ જે બનાવ લોઢીયાવાડી પાસે આવેલ એક મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી થયેલ. ત્યારે ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકલાયો હતો જેમાં આરોપી તરીકે સુરેશ ઉર્ફે સુરી ભોજવીયા, રહે.રાજકોટ અને ચંદુ બાલુભાઇ ચુડાસમા રહે.ઇવનગર, ભભૂતી બીકાઉ ચૌહાણ રહે.રાજકોટ મુળ ઉત્તર પ્રદેશ વાળાને ઇવનગરના ઝુપડામાં છુપાયેલ હોવાની બાતમી મળતા પોલીસે ત્રણેય ઇસમોને ઝડપી પાડયા હતા. જેની પાસેથી કિં.રૂા.16,94,800 મુદ્દામાલ કબ્જે કર્યો હતો.