1 માસમાં 250 થી વધારે પશુઓને ગરમી લાગી, પશુઓને હવા-ઉજાસવાળી જગ્યામાં રાખવા હિતાવહ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ જિલ્લામાં ગરમીનો પારો એક સપ્તાહથી 40 ડિગ્રીથી વધુ રહે છે. ત્યારે વધતી ગરમીની અસર પશુઓ પર પણ વર્તાઇ રહી છે. જેમાં જૂનાગઢ શહેરમાં કાર્યરત પશુ હેલ્પ લાઇન 1962માં રોજના 9 થી વધારે આવે છે. જેને લઇને શહેરમાં એક મહિનામાં 250 થી વધારે પશુઓને ગરમીની અસર નોંધાઇ છે. વેટેનરી ઓફીસર ડો. હાર્દીક મેઘનાથીએ જણાવ્યુ કે, શહેરમાં છેલ્લા ઘણા દિવસથી ગરમીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી સુધી નોધાઇ રહ્યુ છે.
આકરી ગરમીને લઇને ગાય, ભેંસ, કૂતરા, કબૂતર જેવા પશુઓને પણ બહોળા પ્રમાણમાં અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ગરમીની અસરથી પશુઓને બચાવવા પશુપાલકોને વિશેષ કાળજી રાખવા અને છાયા તથા હવા ઉજાસની વ્યવસ્થા કરવા સૂચનો પણ આપવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લામાં 27 વાહન 1962 પશુ હેલ્પલાઇન કાર્યરત કરાયા છે. જેમાં હાલ વધતી ગરમીને લઇ પશુને અસર થવાના કોલ વધી રહ્યા છે. જેમાં એક મહિનામાં જૂનાગઢ શહેરમાં કાર્યરત એક પશુ એબ્યુલન્સને 250 થી વધારે કોલ મળ્યા છે. જૂનાગઢ શહેરમાં હજુ આગામી દિવસો દરમિયાન તાપમાન વધુ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. ગરમીને લઇ પશુપાલકો પશુઓને ગરમીની અસર ન થાય તે માટે વિશેષ કાળજી લે તે જરૂરી છે.
- Advertisement -
ગાય, ભેંસ રાખતા લોકોએ ગરમીથી બચાવવા માટે પશુઓને ઠંડક ભર્યા વાતાવરણમાં રાખવા જોઇએ, દિવસે તડકો હોય તે સમય દરમિયાન પશુઓના શેડમાં શણના ભીના કોથળા બાંધવા, ડાંગરની પરાળી વગેરેથી છત, છાપરા ઢાંકવા, પંખા, કુલર, ફૂવારાની વ્યવસ્થા કરવી, છતને સફેદ કલરથી રંગવી જોઇએ તેમજ ગાય, ભેંસને પાણી વધારે પ્રમાણમાં પીવડાવવુ જોઇએ. ઉપરાંત કુતરાઓને બપોરના સમયે જમવા દેવાનુ ટાળવુ જોઇએ, 11 થી 6 ના સમયગાળા દરમિયાન કૂતરાને બહાર ન કાઢવુ તેમજ આઇસક્રીમ, તરબુચ જેવા ફળો, પાણી વધારે પ્રમાણમાં આપવુ જોઇએ. ખાસ કરીને પશુઓને દિવસમાં ઓછા માં ઓછા એકવાર, શક્ય હોય તો દિવસના ઠંડકના કલાકો દરમિયાન એટલે કે વહેલી સવારે કે સાંજે સ્નાન કરાવવું હિતાવહ છે. હાલમાં પડી રહેલ આકરી ગરમીની પશુઓમાં પણ વધારે પ્રમાણમાં અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ગાય, કૂતરા, કબુતર સહિતના પક્ષીઓમાં વધારે દેખાય છે. જેમાં સુસ્ત થઈને પડ્યા રહેવું, સૂકું નાક, નબળાઈ, ધ્રુજારી ,લાળ ઝરવી, બેભાન થઈ જવું, પેટ ફૂલી જવું, ઓછુ હલનચલન, હાવભાવમાં ફેરફાર, ભૂખ ન લાગવી, જીભ બહાર કાઢીને ઝડપથી હાંફવું, પક્ષીઓમાં ખુલ્લીચાંચ દ્વારા હાંફ ચઢવી સહિતના લક્ષણો જોવા મળે છે.