કંપની શરૂ કર્યાને વર્ષો વિતી ગયા છતાં પબ્લિક હિયરિંગ નહીં થયું હોવાની ચર્ચા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
રાજ્યમાં કોઈપણ કંપની અથવા ઉદ્યોગ સ્થાપના કરતા સૌથી પ્રથમ ફાયદો અહીંના સ્થાનિકોને થવો જરૂરી છે જેના લીધે દરેક ઉદ્યોગો સ્થપાય તે પૂર્વે પબ્લિક હિયરિંગનું આયોજન કરી ઉદ્યોગના લીધે લોકોને થતાં ફાયદા અને નુકશાની અંગે ચર્ચા કરવામાં આવે છે પરંતુ ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામે વર્ષો પૂર્વ સ્થપાયેલી પ્લાયવુડ બનાવતી કંપનીનું હજુય પબ્લિક હિયરિગ કરાયું નહિ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. આ સાથે પ્લાયવુડ કંપની નિર્માણ થાય તે પૂર્વે અહીંના ખેડૂતોની એગ્રો વેસ્ટ કંપનીને ફરજિયાત ખરીદી કરવા અને કંપનીના લીધે આજુબાજુના ખેડૂતોને થતાં નુકશાનનું વળતર આપવું જરૂરી છે જે આ વિસ્તારમાં અન્ય પ્લાયવુડ કંપનીઓના પબ્લિક હિયરીગ સમયે સામે આવ્યું હતી પરંતુ જેગડવા ગામે વર્ષો પુર્વે નિર્માણ થયેલ કંપની આજે ત્રીજા માલિક પાસે છે અને આજદિન સુધી ધમધમતી અને પ્રદૂષણ ઓકતી કંપનીનું પબ્લિક હિયરીંગ થયું નહિ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
- Advertisement -
ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્રદૂષણ અટકાવવા માટે નિયમોને નેવે મૂકી એગ્રો વેસ્ટના ઉપયોગના બદલે ભૂસુ અને અન્ય રાજ્યોમાંથી છાના ખૂણે વેસ્ટ લાકડાથી પ્લાયવુડ બનાવતા હોવાની પણ ચર્ચા છે. ત્યારે બહાર રાજ્યોમાંથી રાત્રીના સમયે પ્લાયવુડ કંપની પર મંગાવવામાં આવતા લાકડા અને ભુસુ ખરેખર પાસ પરમીટ સાથે આવતું હશે કે કેમ ? તે તપાસનો વિષય છે પરંતુ અહીંના ખેડૂતોને પ્લાયવુડની કંપની થકી જે એગ્રો વેસ્ટના ઘર આંગણે વેચાણ થવાનો ફાયદો થવો જોઈએ તેનાથી વધુ કંપની દ્વારા થતાં પ્રદૂષણના લીધે પાકને નુકશાન ભોગવવું પડતું હોવાની રાવ ઉઠવા પામી છે.