ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેર તાલુકાના જાલી ગામમાં રહેતા છગનભાઈ મનજીભાઈ કોળીના ખેતરમાં રહેલ ટીસી કોઈ કારણસર બળી ગયું હોવાથી તેમણે પીજીવીસીએલમાં ગત 7 સપ્ટેમ્બરના રોજ લેખિત અરજી કરી ટીસી બદલવા રજૂઆત કરી હતી તેમજ આ બાબતે પીજીવીસીએલનાં અધિકારીઓને રૂબરૂ મળી વહેલી તકે ટીસી મુકવા માંગણી કરી હતી જે બાદ ગત 26 મી ના રોજ પીજીવીસીએલ દ્વારા ખરાબ ટીસી મુકવામાં આવ્યું હતું જેના કારણે ખેડૂત તેના કપાસના પાકને સમયસર પાણી આપી શક્યા ન હતા.
આ પરિણામે છોડ બળવા લગતા કપાસનેનુકશાન થયું છે અને આ બાબતે ખેડૂતે પીજીવીસીએલને ફરી એકવાર પત્ર લખી તેમના વિભાગની બેદરકારીના કારણે આર્થીક નુકશાન થતા પીજીવીસીએલ સમક્ષ તેના નુકશાનનું વળતર ચુકવવામાં આવે તેવી માંગણી કરી હતી. આ સાથે છગનભાઈએ તંત્રને ચીમકી પણ આપી હતી કે, જો પીજીવીસીએલ તેમના નુકશાનનું વળતર નહીં ચુકવે તો તેમના વિરુદ્ધ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. અવારનવાર ગ્રામ્ય વિસ્તારમાં આ રીતે ખેતી લક્ષી ટીસી બળી જતા હોય છે તો પીજીવીસીએલ દ્વારા પણ નબળી ગુણવતાના ટીસી ફીટ કરવામાં આવતા હોય છે જે થોડા સમયમાં બગડી જતા હોવાથી ખેડૂતોને સિંચાઈ માટે નુકશાની થતી હોય છે ત્યારે પીજીવીસીએલ દ્વારા ખેડૂતોને આપવામાં આવતા ટ્રાન્સફોર્મર સારી ગુણવતાના આપવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે.



