ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.8
હિમાચલપ્રદેશના ઘણા વિસ્તારોમાં વરસાદ હોવા છતાં જંગલમાં આગ લાગવાની ઘટનાઓ ઘટી રહી નથી. છેલ્લા 24 કલાકમાં જંગલમાં આગ લાગવાના 88 નવા કેસ નોંધાયા છે, જેમાં એક હજાર હેક્ટર વિસ્તારમાં જંગલની સંપત્તિ ખાક થઈ ગઈ છે. બુધવાર સાંજથી ગુરુવાર સાંજ સુધીમાં ધર્મશાલા ફોરેસ્ટ સર્કલમાં જંગલમાં આગના 44 કેસ નોંધાયા છે. મંડી સર્કલમાં 23, નાહનમાં આઠ, બિલાસપુરમાં ચાર, ચંબામાં ત્રણ, રામપુરમાં ત્રણ અને સોલનમાં બે ઘટના નોંધાઈ છે.
- Advertisement -
ધર્મશાલા સર્કલમાં 231.75 હેક્ટર, મંડીમાં 224 હેક્ટર, નાહનમાં 140 હેક્ટર, રામપુરમાં 24 હેક્ટર, સોલનમાં 9 હેક્ટર, બિલાસપુરમાં 300 હેક્ટર, ગ્રેટ હિમાલયન 6 હેક્ટર, નેશનલ પાર્કમાં 6 હેક્ટરમાં વન સંપત્તિને નુકસાન થયું છે. લગભગ 17 હજાર હેક્ટર વિસ્તારમાં જંગલની સંપત્તિ બળીને રાખ થઈ ગઈ છે. હિમાચલમાં છેલ્લા 10 દિવસમાં લગભગ 3 કરોડ રૂપિયાના જંગલો રાખ થઈ ગયા છે. વન વિભાગે તેનો રિપોર્ટ રાજ્ય સરકારને મોકલી આપ્યો છે. રાજ્યમાં આગની વધતી ઘટનાઓની સૌથી વધુ અસર ધર્મશાલા, મંડી અને હમીરપુર સર્કલમાં જોવા મળી છે.