ખુદ ભાજપના નગરપાલિકાના સદસ્યએ જ શહેરની સફાઈ બાબતે રજૂઆત કરી
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ શહેરમાં સફાઈ કામગીરી સમયસર નહીં થતી હોવાની અનેકવાર રજૂઆતો અરજદારો દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે નગરપાલિકાના વોર્ડ નંબર 2 ના સદસ્યએ જ વોર્ડ નંબર 2 સહિત સમગ્ર હળવદ શહેરમાં સફાઈ કામગીરીમાં લોલમલોલ ચાલતી હોવાનું જણાવી વહેલી તકે પ્રજાને સુવિધા ઉપલબ્ધ કરાવવા ચીફ ઓફીસરને લેખિત રજૂઆત કરી છે. હળવદ નગરપાલિકાના વોર્ડ નંબર 2 ના સદસ્ય કણઝરીયા મહેશભાઈ બાવલભાઇએ રજુઆતમાં જણાવ્યું છે કે, વોર્ડ નંબર 2 માં છેલ્લા છ મહિનાથી કોઈપણ દિવસ નિયમિત સફાઇ કરવામાં આવતી નથી તેમજ સેનિટેશન શાખામાં એસઆઈને આ બાબતે ફોન દ્વારા તેમજ લેખિત જાણ કરવા છતાં તેઓ પણ હાથ ઉંચા કરી રહ્યાં છે.
- Advertisement -
આ ઉપરાંત જણાવ્યું છે કે, કાયમી ભરતી કરેલા છ કર્મચારીઓ હાજરી પુરાવીને કામ પર ન જતા હોય જેથી કરીને આ સમગ્ર મામલો ફરી એકવખત ચર્ચાસ્પદ બન્યો છે જ્યારે આ બાબતે નગરપાલિકા પ્રમુખને ખુદ નગરપાલિકાના સદસ્ય મહેશભાઇ કણઝરીયાએ રજૂઆત કરતા તેઓએ લેખિતમાં અરજી લખવાની સૂચના આપી હતી જેથી છ કાયમી સફાઈ કર્મચારીઓના લીધે આખું હળવદ શહેર હેરાન થતું હોય તો નગરપાલિકા ચીફ ઓફિસર કામગીરી કરવામાં કોની લાજ કાઢી રહ્યાં છે. વધુમાં જણાવ્યું છે કે, નગરપાલિકાની પરિસ્થિતિ દિવસેને દિવસે બદત્તર થઈ રહી છે જેમાં સેનિટેશન વિભાગથી લઇને પાણી પુરવઠા વિભાગ, લાઇટ શાખા, બાંધકામ શાખા કે અન્ય કોઇપણ શાખાના કર્મચારીઓ નગરપાલિકાના સદસ્યોને સાંભળતા નહીં હોવાના સણસણતા આક્ષેપ સાથે આનંદ પાર્કના સંપથી પ્રાઈવેટ પાણીના ટાંકા બંધ કરાવવા તેમજ તેની પાસેથી નાણા વસૂલવાની રજૂઆત કરવા છતાં આજદીન સુધી નગરપાલિકા નતમસ્તક થઇ ગઇ છે જેથી કરીને નગરપાલિકાના સદસ્યએ હળવદ નગરપાલિકાના પ્રમુખ, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્ય, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી અને હળવદ શહેર ભાજપ પ્રમુખને સંબોધીને પત્ર લખ્યો છે.