ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.25
જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત ગીર સોમનાથના વર્ષ 2025-26ની બજેટ બેઠક યોજાઈ હતી. જિલ્લા પંચાયતની સ્વભંડોળની મર્યાદિત આવકને લક્ષમાં રાખી વિકાસને લગતી બાબતો ધ્યાને લઇ જિલ્લાનાં વિકાસનાં તમામ ક્ષેત્રોને આવરી લઈ વિકાસનાં મીઠા ફળોનો લાભ અંતરિયાળ ગામડાઓ સુધી અને છેવાડાનાં માનવી સુધી પહોંચાડી શકાય તેવી જોગવાઈઓ આ અંદાજપત્રમાં રાખવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.ઉલ્લેખનીય છે કે, બજેટમાં વર્ષ 2025-26 ના વર્ષની સ્વભંડોળની અંદાજીત ખુલતી સિલક રૂ.1053.39 લાખ તથા અંદાજીત આવક રૂ.412.70 લાખ મળી કુલ અંદાજીત આવક રૂ.1466.09 લાખની સામે અંદાજીત ખર્ચ રૂ.498.02 લાખના ખર્ચની જોગવાઇઓ કરી વર્ષના અંતે રૂ.968.07 લાખની પુરાંત રજૂ કરવામાં આવી છે.
વર્ષ 2025-26 ના વર્ષના સ્વભંડોળ વિભાગમાં જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યશ્રીઓને તેમના વિસ્તારમાં વિકાસના કામો માટેની જોગવાઇ રૂ.169.00 લાખની જોગવાઇ કરવામાં આવી છે. તેમજ વિકાસ અને પંચાયત ક્ષેત્રે રૂ.239.00 લાખ, આરોગ્ય ક્ષેત્રે રૂ.7.00 લાખ, પશુપાલન ક્ષેત્રે રૂ.5.00 લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે રૂ.28.00 લાખ, બાંધકામ ક્ષેત્રે રૂ.65.50 લાખ, મહિલા અને બાળ વિકાસ ક્ષેત્રે રૂ.40.70 લાખ તેમજ પ્રકિર્ણ યોજના અને અન્ય કાર્યો માટે રૂ.20.00 લાખની જોગવાઇ કરવામાં આવી છે.
ગીર સોમનાથમાં જિ.પં. પ્રમુખ મંજૂલાબહેન મૂછારના અધ્યક્ષસ્થાને વર્ષ 2025-26ની બજેટ બેઠક યોજાઈ
