સ્કૂલને મંજૂરી નહીં મળી હોવા છતાં ધોરણ 1 અને 2ના એડમિશન શરૂ કરાયા?
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
ધ્રાંગધ્રા શહેરના કુડા ચોકડી નજીક હાલમાં જ નિર્માણ થયેલી વિવાદિત સ્કૂલમાં હવે નવી વિવાદ સામે આવ્યો છે અગાઉ આ સ્કૂલને શિક્ષણ વિભાગની મંજૂરી નહીં મળી હોવા છતાં સ્કૂલમાં નાના બાળકોનો અભ્યાસ ક્રમ શરૂ કરી દેવાયો હતો. જે અંગે જિલ્લા શિક્ષણ વિભાગને ધ્યાને આવતા ધ્રાંગધ્રા તાલુકા શિક્ષણ અધિકારી અને ત્યારબાદ બી.આર.સીને તપાસ સોંપાઈ હતી જેમાં પણ પાંચ વર્ષથી વધુ ઉમરના બાળકોને નર્સરી તથા એલ.કે.જીના રજીસ્ટરમાં એન્ટ્રી કરતા હોવાનો છબરડો સામે આવ્યો હતો જોકે આ બાદ મંજૂરી વગર ચાલતી સ્કુલનું પ્રથમ અને બીજું સત્ર પૂર્ણ થવા છતાંય કોઈ કાર્યવાહી થઈ નહીં. પરંતુ હવે આ સ્કુલનું શ્રેષ્ઠ ભણતર કેવા પ્રકારનું છે તેનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં કુડા ચોકડી સ્થિત ખાનગી સ્કૂલમાં શ્રેષ્ટ ભણતર હોવાની જાહેરાતો કરતા સ્કૂલના સંચાલકે પોતાના પુત્રનું કેન્દ્રીય વિધાલય ખાતે એડમિશન કરાવ્યું છે. એટલે કે પોતાની સ્કૂલ હોવા છતાં સ્કૂલના ભણતર પર સંચાલકને જ ભોરોસો નહિ હોય તેવો ઘાટ અહી સર્જાયો છે. એડમિશન માટે મોટી મોટી જાહેરાતો કરી વાલીઓને પોતાના બાળકોને શ્રેષ્ઠ ભણતર આપવા માટે મોટા તગડા રૂપિયા લઈ લીધા બાદ બાળકોના ભવિષ્ય પર પૂર્ણ વિરામ લગાવતા આ પ્રકારની સ્કૂલના સંચાલકો પોતાના જ બાળકોને પોતાની સ્કૂલના બદલે અન્ય સ્કૂલમાં એડમિશન આપવી અભ્યાસ કરાવે તેના પરથી આ સ્કુલનું ભણતર અને સ્કૂલના અંદરનું વાતાવરણ કેવું હશે ? તે સ્પષ્ટ થાય છે.


