ચીનમાં હાલ શિક્ષિત બેરોજગારોની સમસ્યા મોં ફાડીને ઉભી છે. પરિસ્થિતિ એ પેદા થઈ છે કે ચીનમાં શિક્ષિત બેરોજગારોને ખેતરમાં મજુરી કરવા મજબુર થવુ પડશે કારણ કે બેરોજગારી ઝડપથી વધી રહી છે.
હાલત એ છે કે ચીનમાં શહેરોમાં પાંચમાંથી એક યુવાન બેરોજગાર છે. આ બેરોજગારી દુર કરવા દેશનો સૌથી અમીર પ્રાંત ગ્વાંગડોંગે ગ્વાંગડોંગની યોજના’ નામનો એક પ્રસ્તાવ રાખ્યો છે. જે અનુસાર ત્રણ લાખ બેરોજગાર યુવકોને નોકરી માટે બે થી ત્રણ વર્ષ માટે ગ્રામીણ વિસ્તારોમાં મોકલી દેવા.
ગ્વાંગડોંગ યોજનાની સોશ્યલ મિડીયામાં વ્યાપક રીતે ટીકા થઈ છે.દેશમાં 16 થી 24 વર્ષનાં તરૂણો-યુવાનોમાં શહેરી બેરોજગારી દર 19.6 ટકા વધી ગયો છે. ઉલ્લેખનીય છે કે ચીન માત્ર શહેરી રોજગારનાં આંકડા જાહેર કરે છે.
યુવા બેરોજગારી દર વધુ વધી શકે છે. કારણ કે રેકોર્ડબ્રેક સંખ્યામાં 1.11 કરોડ છાત્રો આ વર્ષે પોતાનું સ્નાતક પુરૂ કરશે. હાલ તો દેશની અર્થ વ્યવસ્થા ઘણી ધીમી પડી ગઈ છે.વધતી અનિશ્ચિતતાઓને કારણે યુવાનોમાં નિરાશાનો માહોલ છે.