148 ઉત્પાદનો પર જીએસટી દરોમાં ફેરફારની તૈયારી: રૂા.1500 સુધીના કપડા પર 5%નો દર રૂા.1501 થી 10000 સુધીના કપડા પર 18% અને વધુ મોંઘા પર 28%નો ટેક્ષ લાગશે
રૂા.20, પાણીની બોટલ પર ટેક્ષ ઘટશે: સિગારેટ, તંબાકુ, સોફટડ્રિન્કસ પર 35%નો તોતીંગ નવો દર લાગુ કરવા તા.21ના રોજ નિર્ણય
- Advertisement -
દેશમાં ચૂંટણીની મોસમ પુરી થતા જ સરકાર ફરી વખત અર્થતંત્ર અને ખાસ કરીને ટેક્ષ કલેકશન વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરશે અને તેમાં આગામી તા.21ના રોજ મળનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં સિગારેટ, તંબાકુ અને ટેક્ષટાઈલ ઉપરાંત ખાસ લકઝરી ઉત્પાદનો વધુ મોંઘા બને તેવી શકયતા છે. સરકારે જીએસટી દરોમાં ફેરફાર માટે 148 ચીજોની યાદી તૈયાર કરી છે તેમાં સોમવારે કરાયેલી મહત્વની ભલામણો મુજબ સિગારેટ, તંબાકુ, સોફટડ્રિન્ક અને તેના કાચામાલ આ તમામ પર જે હાલ 28%નો જીએસટી છે તે નવા 35%ના સ્લેબમાં લઈ જવાની તૈયારી છે.
હાલ જે રીતે 5%, 12%, 18% અને 28%નો જીએસટી દર છે તેમાં એક તબકકે 12 અને 18%ના દરોને જોડીને 15%નો નવો સ્લેબ બનાવવા વિચારણા હતી પણ 35%નો સ્લેબ અંગે પ્રથમ વખત સરકારે સંકેત આપ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારામનના અધ્યક્ષપદે તા.21ના જીએસટી કાઉન્સીલની બેઠક મળી રહી છે. આ બેઠક અત્યંત મહત્વની બની રહેશે. જેમાં ટેક્ષટાઈલમાં હાલ જે જીએસટી દર છે તેમાં રૂા.1100 સુધીના કપડા પર 5%નો જીએસટી દર અને તેનાથી ઉપરની કિંમતના એટલે કે રૂા.1501 થી ઉપરની અને રૂા.10000ની કિંમત સુધીના કપડા પર 18% અને તેથી વધુ મોંઘા કપડા પર 28%નો નવો જીએસટી દર લાગુ થશે.
સરકાર મોંઘા કપડાને લકઝરી ગુડસ કક્ષામાં મુકવા માંગે છે. હાલ રૂા.1000 સુધીના કપડા પર 5% અને તેનાથી મોંઘા કપડા પર 12%નો જીએસટી દર છે તેના બદલે ત્રણ દર અમલમાં આવશે. આ ઉપરાંત મોંઘી કાંડા ઘડીયાળો પણ 28% સ્લેબમાં આવી જશે. પણ સાયકલ-શાળાની નોટબુક વિ.ને નીચા દરમાં યથાવત રખાશે. રૂા.25000 કે તેથી ઉંચી કિંમતની ઘડીયાળોમાં હાલ જે 18%નો જીએસટી દર છે તે 28%નો કરાશે તો રૂા.15000થી ઓછા બુટ-ચપ્પલ પણ 18ને બદલે 28%ના દરમાં આવી જશે તો સાયકલ જે રૂા.10000 સુધીની કિંમતની છે તે 12%માંથી ઘટાડી 5%માં મુકવામાં આવશે. શાળાની નોટબુક રૂા.20 સુધીની પાણીની બોટલો પણ સસ્તી થશે. નોટબુકને તથા પાણીની બોટલો 5%ના સ્લેબમાં આવી જશે તો લાંબા સમયથી જેની ચર્ચા છે તે જીવન વીમા પરના પ્રિમીયમ દરની સમીક્ષાના સંકેત છે.