કરોડપતિઓ દ્વારા દેશ છોડવામાં ચીન પછી ભારત બીજા ક્રમે
ભારતમાં જીવનધોરણમાં સુધારો થતાં મોટી સંખ્યામાં કરોડપતિઓ સ્વદેશ પાછા ફરી રહ્યાનો ટ્રેન્ડ પણ જોવા મળ્યો
- Advertisement -
દસ લાખ ડોલર્સની સંપત્તિવાળા હાઇનેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ ગણાય : ધનિકોને આકર્ષવામાં ઓસ્ટ્રેલિયા પ્રથમ
ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં ચાલુ વર્ષે અંદાજે 6,500 અતિ ધનિકો દેશ છોડવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ ભારત છોડીને અન્ય વિકસિત દેશમાં કાયમી વસવાટ કરવા જઈ રહ્યા છે. જોકે, આ વર્ષે દેશ છોડનારા ધનિકોની સંખ્યા ગયા વર્ષની સરખામણીમાં 1,000 ઓછી છે. સમગ્ર દુનિયામાં કરોડપતિ નાગરિકોના દેશ છોડવાની બાબતમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે તેમ એક રિપોર્ટમાં જણાવાયું છે.
સમગ્ર દુનિયામાં નાણાં અને રોકાણ પ્રવાસનના ટ્રેન્ડ પર નજર રાખતી કંપની હેનલે પ્રાઈવેટ હેલ્થ માઈગ્રેશન રિપોર્ટ 2023 મુજબ ગયા વર્ષે ભારતમાંથી 7,500 કરોડપતિઓ દેશ છોડીને અન્ય દેશોમાં વસવાટ કર્યો હતો. રિપોર્ટ મુજબ કરોડપતિ નાગરિકોના દેશ છોડવાની બાબતમાં દુનિયામાં ભારત બીજા ક્રમે છે. પહેલા ક્રમે ચીન છે, જ્યાં 13,500 કરોડપતિ નાગરિકો દેશ છોડીને અન્ય દેશમાં રહેવા જતા રહે છે.
- Advertisement -
આ રિપોર્ટ મુજબ બ્રિટનમાંથી 3,200 અને 2022માં યુક્રેન પર આક્રમણ પછી રશિયામાંથી 8,500 નોગરિકો દેશ છોડી રહ્યા છે. આમ, આ યાદીમાં બ્રિટન ત્રીજા અને રશિયા ચોથા ક્રમે છે.
હેનલે એન્ડ પાર્ટનર્સમાં જણાવાયું હતું કે, ભારતમાં નવા કરોડપતિઓ પેદા કરવાની ક્ષમતાને ધ્યાનમાં રાખતા દેશ છોડી રહેલા કરોડપતિઓ ભારત માટે વિશેષ ચિંતાની બાબત નથી. ભારતમાં વર્ષ 2031 સુધીમાં કરોડપતિઓની વસતીમાં 80 ટકાનો વધારો થવાની સંભાવના છે, જેને પગલે ભારત આ સમયમાં દુનિયાના સૌથી ઝડપથી સમૃદ્ધ થતાં બજારોમાંનું એક બની જશે. નાણાકીય સેવાઓ, સ્વાસ્થ્ય સેવા અને ટેક્નોલોજી સેક્ટર્સ ભારતમાં આ વૃદ્ધિના ચાલક બળ હશે.
આ રિપોર્ટ મુજબ એવો પણ ટ્રેન્ડ જોવા મળ્યો છે કે અનેક કરોડપતિ ધનિકો ભારતમાં પુનરાગમન કરી રહ્યા છે. ભારતમાં જીવન ધોરણમાં થઈ રહેલા નોંધપાત્ર સુધારાના પગલે મોટી સંખ્યામાં કરોડપતિ ભારતીયો સ્વદેશ પાછા ફરી રહ્યા હોવાનો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે.