ટી.બી.ને જડમૂળથી નાથવા સજ્જ ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગ
સ્કૂલ-કોલેજોમાં સેમિનાર, રેલી, ભીંતસૂત્રો, પેમ્ફલેટ્સ થકી લોકોને જાગૃત કરાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં વણ શોધાયેલા ટી.બી.ના દર્દીઓ શોધી અને તેમને પૂરતી સારવાર અને માર્ગદર્શન થકી રોગનો ફેલાવો અટકાવવા તથા રોગથી થતા મૃત્યુ અટકાવી રોગ મુક્તિની સફળતાનો દર વધારી ટી.બીના દૈત્યને જડમૂળથી નાથવા ગીર સોમનાથ આરોગ્ય વિભાગે કમર કસી છે. સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાંથી ટી.બી.નું નિર્મૂલન કરી જિલ્લાને ટી.બી. મુક્ત જિલ્લો બનાવવા આરોગ્ય વિભાગ દ્વારા સુનિયોજીત અભિયાન અંતર્ગત 100 દિવસના અભિયાનમાં શરૂઆતના તબક્કામાં જ ટીબીગ્રસ્ત દર્દીઓને શોધવામાં આવશે. શરૂઆતમાં ગૃહ મુલાકાત કરી આશા બહેનો, આરોગ્ય કાર્યકરો અને સ્વયંસેવી ટી.બી. ચેમ્પિયન વ્યક્તિઓ ઘરની તમામ વ્યક્તિઓની આરોગ્યલક્ષી પૂછપરછ કરી અને જેમને ટી.બી. થવાની શક્યતા વધારે છે, તેની યાદી બનાવશે.
આવા વ્યક્તિઓની યાદી બનાવ્યા બાદ તેમના છાતીના એક્સ-રે સરકારી દવાખાનામાં જ્યાં આ સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં(તાલુકા કક્ષાએ), મોબાઈલ એક્સ-રે વાનની મુલાકાત દરમિયાન કે, જે તાલુકામાં ખાનગી, ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ કે ઉદ્યોગ ગૃહોના આરોગ્ય કેન્દ્રો સાથે એમ.ઓ.યુ કરેલા હોય તે કેન્દ્ર ખાતે કરવામાં આવશે.
જે વ્યક્તિઓને ટી.બી.ના સંભવિત 10 ચિહ્નો જણાઈ આવે તો આવા દર્દીના ગળફાનો નમૂનો તરત જ અને બીજે દિવસે વહેલી સવારે ઉઠ્યા બાદ તરત જ એકત્રિત કરી ન્યૂક્લિક એસિડ એમ્પ્લિફિકેશન ટેસ્ટ (એન.એ.એ.ટી.) સુવિધા ઉપલબ્ધ હોય તે જગ્યાએ મોકલી આપવામાં આવશે. એન.એ.એ.ટી. તપાસમાં ટી.બી.નું નિદાન થાય તો ટી.બી. મટાડવાની 6 માસની સારવાર શરૂ કરવામાં આવશે. જો છાતીના એક્સ-રે માં કોઈ અસામાન્ય જણાશે તો પણ તેના ગળફાના નમૂનાની તપાસ ફરજિયાત કરવામાં આવશે. આવા કિસ્સામાં એન.એ.એ.ટી. તપાસનું રિઝલ્ટ સામાન્ય હોય તો પણ ડોકટર નક્કી કરે તો ટી.બી.ની સારવાર રાબેતા અનુસાર ચાલુ કરવાની રહેશે. ટી.બી. થવાની વધુ શક્યતા વાળા વ્યક્તિઓનો એક્સ રે સામાન્ય હોય અને હાલમાં કોઇ ચિહ્નો ન હોય તો તેઓને દર 6 માસ બાદ ફોલોઅપ કરી આ જ રીતે તપાસકરવાનીરહેશે.



