પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાને કહ્યુ કે ડ્રાઈવરને નિવેદન આપવા ધમકાવાયો છે
ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનનુ વડાપ્રધાન પદ ગુમાવ્યા બાદ ઈમરાન ખાન 140 જેટલા કેસોનો સામનો કરી રહ્યા છે. આ પૈકીના એક મામલામાં તો ઈમરાન ખાને પોતે ચોંકાવનારો આક્ષેપ કરતા કહ્યુ છે કે, પોલીસે એક ડ્રાઈવર પાસે બળજબરીથી એવી કબૂલાત કરાવી છે કે તે મને ડ્રગ્સ સપ્લાય કરે છે.
- Advertisement -
તહેરિક એ ઈન્સાફ પાર્ટીના પ્રમુખ ઈમરાન ખાને કહ્યુ હતુ કે, આ વર્ષે થનારી ચૂંટણી માટે મને ગેરલાયક ઠેરવવા શાહબાઝ શરીફની સરકાર સાવ છેલ્લા પાટલે બેઠી છે. મેં ચીન, રશિયા,અફઘાનિસ્તાન પર સ્વતંત્ર વિદેશ નીતિ અમલમાં મુકી હતી અને તેના કારણે મારી સરકાર તોડી પાડવામાં આવી હતી.
ઈમરાન ખાને સોશિયલ મીડિયા પર કહ્ય હતુ કે, મારા એક પરિચિતે મને શૂઝનુ બોક્સ મોકલ્યુ હતુ. તેમના ડ્રાઈવર આ બોક્સ લઈને મારી પાસે આવ્યા હતા. બે દિવસ બાદ પોલીસે આ ડ્રાઈવરના ઘરે જઈને તેને અને તેના પરિવારને ડરાવ્યો તેમજ ધમકાવીને એવુ કહેવા મજબૂર કર્યો હતો કે, તે મારા ઘરે શૂઝના બોક્સમાં ડ્રગ્ઝ લઈને આવ્યો હતો. જ્યારે અપરાધીઓ દેશ ચલાવતા હોય ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે. કારણકે તેમના રાજમાં ગુનેગારો જ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર બેસતા હોય છે. બીજી તરફ સત્તાધારી પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લિગ નવાઝ ના નેતાઓ ખુલ્લેઆમ આરોપ લગાવી રહ્યા છે કે, ઈમરાન ખાન ડ્રગ્સ વગર જેલમાં રહી શકે તેમ નથી.