બંને પક્ષોની દલીલો અને સાક્ષીઓની ઉલટતપાસમાં વિરોધાભાસ જણાતા અદાલતે શંકાનો લાભ આપ્યો; આરોપીના વકીલે સુપ્રીમ અને હાઈકોર્ટના ચુકાદા ટાંકી ધારદાર દલીલો કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના બેડી (વાછીકપર) ગામની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જવા અને દુષ્કર્મ આચરવાના ગંભીર આરોપમાં પકડાયેલા આરોપી રાહુલ અજીબુર શેખને રાજકોટની સ્પેશિયલ પોક્સો કોર્ટે નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. અદાલતે પુરાવાઓના અભાવે અને સાક્ષીઓની જુબાનીમાં જોવા મળેલા વિરોધાભાસને ધ્યાને રાખી આરોપીને શંકાનો લાભ આપ્યો છે.
શું હતી સમગ્ર ઘટના? કેસની વિગત મુજબ, આરોપી અને ભોગબનનાર એક જ કારખાનામાં સાથે કામ કરતા હતા.
રતનપર મેળામાં ગયા બાદ સગીરા ગુમ થતા તેના પિતાએ કુવાડવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે રાહુલ શેખ તેમની દીકરીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો છે. પોલીસે તપાસ હાથ ધરી પશ્ચિમ બંગાળથી બંનેને શોધી કાઢ્યા હતા અને આરોપીની સપ્ટેમ્બર 2022માં ધરપકડ કરી હતી.
આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ 376 અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી ચાર્જશીટ રજૂ કરાયું હતું.
અદાલતમાં બચાવ પક્ષની દલીલો આ કેસ રાજકોટની સેસન્સ અદાલતમાં ચાલતા આરોપી પક્ષના વકીલ રણજીત બી. મકવાણાએ ફરિયાદી અને સાક્ષીઓની ઉલટતપાસ કરી હતી, જેમાં અનેક વિરોધાભાસ સામે આવ્યા હતા.
બચાવ પક્ષના વકીલોએ નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંકીને ધારદાર દલીલો કરી હતી કે આરોપી વિરુદ્ધના આરોપો સાબિત થતા નથી. પરિણામે, અદાલતે તમામ હકીકતોને ધ્યાને લઈ રાહુલ શેખને નિર્દોષ જાહેર કર્યો છે. આ કેસમાં આરોપી વતી વકીલ રણજીત બી. મકવાણા અને તેમની ટીમ રોકાઈ હતી.



