રાષ્ટ્રપતિ ચૂંટણીમાં આદિવાસી કાર્ડ રમનારી ભાજપ આજે ઉપ-રાષ્ટ્રપતિ ઉમેદવારનું નામ જાહેર કરી શકે છે.
ઉપપ્રમુખની ચૂંટણીમાં બહુ ઓછા દિવસો બાકી છે. ભાજપ કાર્યાલયમાં આજે મળનારી સંસદીય બોર્ડની બેઠકમાં ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર અંગે ચર્ચા થશે અને તેના પર અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. આ બેઠકમાં PM મોદી સહિત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષ પણ હાજર રહેશે. આ દરમિયાન સૂત્રોએ જણાવ્યું કે, ભાજપ તાજેતરમાં અલ્પસંખ્યક કલ્યાણ મંત્રાલયમાંથી રાજીનામું આપનારા મુખ્તાર અબ્બાસ નકવી, કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડના નામ પર ચર્ચા કરી શકે છે.
- Advertisement -
NDA નાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર લાગી શકે મહોર
કહેવાઈ રહ્યું છે કે આ બેઠક દરમિયાન જ ભાજપના નેતાઓ NDAમાં સામેલ ઘટક પક્ષોના નેતાઓ સાથે ફોન પર ચર્ચા કરશે અને ત્યારબાદ NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવશે. હાલમાં ભાજપ પાસે લોકસભામાં 303 સભ્યો છે જ્યારે રાજ્યસભામાં 91 સભ્યો છે. રાજ્યસભામાં આ 91 સભ્યો ઉપરાંત 5 નામાંકિત સભ્યો પણ ભાજપને મત આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, ઉપરાષ્ટ્રપતિ પદ માટે 6 ઓગસ્ટે ચૂંટણી યોજાવાની છે. આમાં નોમિનેશનની છેલ્લી તારીખ 19 જુલાઈ છે. આવી સ્થિતિમાં આજે આ બેઠકમાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારને લઈને અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.